ભાજપ સરકાર દ્વારા આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી એટલે કે 31મી ઓક્ટોબરે જ તેમનું 18 મીટર ઊંચી મૂર્તિ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરી દેવાની પૂરજોરમાં તૈયારી કરી રહી છે.
વડોદરાથી 100 કિમી દૂર આવેલા કેવડિયામાં સરદાર સરોવર ડેમથી 3.32 કિમી દૂર સાધુ બેટ પર સરદાર પટેલનું આ વિરાટ સ્ટેચ્યૂ મૂકવામાં આવનારું છે. ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જે એન સિંહે જણાવ્યું કે, 31મી ઓક્ટોબરે તેનું લોકાર્પણ કરવા માટે આ સ્થળે તૈયારીઓ પૂરી કરી લેવાશે. સિંઘે 13મી ફેબ્રુઆરીએ આ સ્થળની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામકાજની માહિતી મેળવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 31મી ઓક્ટોબર, 2013ના દિવસે સરદાર પટેલની 138મી જન્મતિથી પ્રસંગે આ પ્રોજેક્ટનો પાયો નાખવામાં આવ્યો હતો. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ લગભગ 3 હજાર કરોડના આ પ્રોજેક્ટની પાયાવિધી કરી હતી. પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ)ના ધોરણે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તેનું એન્જિનિયરિંગ કામ એલ એન્ડ ટી કંપની સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ની દેખરેખમાં કરી રહી છે.
આઝાદી પછી 562 રજવાડાઓને એક છત્ર નીચે લાવવવાનું ભગીરથ કામ કરનારા સરદાર પટેલના સન્માનમાં બનાવાયેલું આ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પ્રોજેક્ટ વેબસાઈટમાં અપાયેલી માહિતી મુજબ, તેના સ્થાને લાગી જશે તે પછી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ બની જશે.
આ સ્ટેચ્યૂ મુલાકાતીઓને સરદારની પ્રતિભા, જીવન અને સિદ્ધિની અનુભૂતિ કરાવશે. આ ઉપરાંત લગભગ 500 ફૂટની ગેલેરીમાંથી મુલાકાતીઓ સરદાર સરોવર ડેમ અને તેની આસપાસના પ્રાકૃતિ સૌંદર્યના દર્શન કરી શકશે.