કોંગ્રેસની પહેલી યાદી જાહેર થયા બાદ અમદાવાદ અને સુરત સહિત કેટલાક વિસ્તારમાં PAAS દ્વારા થયેલી તોડફોડ ભાજપ દ્વારા પુર્વયોજિત હોવાની જાણકારી વિશ્વનિય સૂત્રોએ આપી છે. હાર્દિક પટેલ વતી કોંગ્રેસ સાથે વાટાઘાટો કરતા PAASના અત્યંત મહત્ત્વપૂર્ણ નેતાઓ સાથે ભાજપનાં નેતાઓ છેલ્લાં 15 દિવસથી સંપર્કમાં હતા, આ વાતથી ખુદ હાર્દિક પટેલ પણ અજાણ હતો, PAASના આ નેતાઓ કોંગ્રેસ સાથે વાટાઘાટોમાં એવી સ્થિતિ નિર્માણ કરી રહ્યા હતા, જેના કારણે કોંગ્રેસ ભીંસમાં આવી જાય, તેઓ છેલ્લાં એક સપ્તાહથી કોંગ્રેસ સાથે ભંગાણ થઈ રહ્યું છે તેવો માહોલ પણ ઉભો કરી રહ્યા હતા.
સૂત્રોના જાણકારી ઉપર આધાર રાખીએ તો આગામી ચોવીસ કલાકમાં જ હાર્દિકના જમણા અને ડાબા હાથ સમાન સાથીઓ તેનો હાથ છોડી ભાજપને ખેસ પહેરી લે તેવી સંભાવના છે. કોંગ્રેસના નેતાઓ સતત પોતાની સાથે જોડાણ કરી રહેલા નેતાઓ સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, કે તેમની સાથે ગઠબંધન કરનાર ઘટકો ટિકિટની માગણી સમજી વિચારીને કરે, પણ હાર્દિક વતી કોંગ્રેસ સાથે બેઠક કરી રહેલા નેતાઓ, NCPના નેતાઓ, જેડીયુ અને અલ્પેશ ઠાકોર વધુને વધુ બેઠકો તેમને મળે તેવી માંગ કરી રહ્યા હતા, જેના કારણે જેઓ મૂળ કોંગ્રેસી છે તેવા નેતાઓને ટિકિટ જ ના મળે તેવી સ્થિતિ ઉભી થઈ રહી હતી, આ સ્થિતિનો લાભ લઈ હાર્દિકના ખાસ નેતાઓ સાથે મળી ભાજપે PAASની ટીમને તોડવાની તૈયારીઓ શરૂ કરી હતી, જેમાં ટિકિટ અને અનામતના મુદ્દે આ નેતાઓ કોંગ્રેસનો તો ઠીક પણ હાર્દિકનો પણ સાથ છોડી દેવાની જાહેરાત કરી હાર્દિકના આંદોલનને ઝટકો આપે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે દિલ્હીમાં જે પ્રકારે PAASના નેતાઓ કોંગ્રેસ વિરૂદ્ધ નિવેદન કર્યા અને ભરતસિંહ સોંલકીના બંગલે તે પ્રકારે દેખાવ PAAS દ્વારા થયા તે બધુ જ ભાજપની સ્ક્રીપ્ટ પ્રમાણે જ થયું હતું, હવે આ નેતાઓ હાર્દિકને સાથ છોડી ભાજપની પંગતમાં બેસી જશે, પણ આશ્ચર્યજનક બાબત એવી છે કે ભાજપમાં જોડાનાર આ નેતાઓને ભાજપ ટિકિટ આપશે નહીં, પણ PAASના આ નેતાઓ NCPમાંથી ચૂંટણી લડશે. કારણ NCP ફરી એક વખત ભાજપની બી ટીમ તરીકે મેદાનમાં આવી છે. અને PAASના નેતાઓ NCPમાંથી ચૂંટણી લડે તો જ કોંગ્રેસને નુકશાન થાય. જો કે આ પ્રકારની સ્થિતિને હાર્દિક પહોંચી વળવા માટે તૈયાર છે. તેમ હાર્દિકના નજીકના સુત્રોનું કહેવુ છે. હાર્દિકના PAASના અત્યંત નજીકના સાથીઓ પણ તેનો સાથ છોડી ભાજપમાં જાય તો પણ હાર્દિક એકલો લડાઈ ચાલુ રાખશે.
(પ્રશાંત દયાળ)