ગઈકાલે સુરતના નવ નિયુક્ત મેયર હેમાલી બોઘાવાળાએ જાહેરાત કરી હતી કે જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ લેવાશે નહીં પરંતુ તેની જગ્યાએ તેને માસ્ક આપવા ની જાહેરાત કર્યા બાદ આજે શહેરના પોલીસ કમિશનર અજય તોમરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે માસ્ક મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને જો કોઈએ માસ્ક નહીં પહેર્યું હોય તો દંડ ઉઘરાવવામાં આવશે.
સુરતન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અજય તોમરે આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને જણાવ્યુ હતું કે જે વ્યક્તિએ જાહેરમાં માસ્ક ન પહેર્યું હોય તેમને દંડ ફટકારવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા મોટાપાયે માસ્ક વિતરણ કરવામાં આવશે પરંતુ જાહેર સ્થળો કે રસ્તા ઉપર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં આવશે. લોકોમાં કોઈપણ પ્રકારની અવઢવ ન રહેવી જોઈએ એવી સ્પષ્ટ વાત પોલીસ કમિશનરે કરી છે
સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, ‘જો કોઈ નાગરિક માસ્ક ન પહેરે તો તેને દંડ થશે, મૂળ સંદેશ એ છે કે, બધા લોકો માસ્ક પહેરતા શરૂ થાય અને બધા લોકો માસ્ક પહેરશે તો દંડ કરવાની જરૂર નહીં રહે. મારી દરેક નાગરિકને વિનંતી છે, ખાસ સૂચન છે કે કોરોના સામેની આ લડાઇમાં માસ્ક પહેરવુ જરૂરી છે. માસ્ક સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ ન કરો. જો તમામ નાગરિક માસ્ક પહેરીને રાખશે, સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરશે અને સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેશે તો મને પૂર્ણ વિશ્વાસ છે કે કોરોના સામે આપણે વિજય મેળવીશું.’
ગઈકાલે સુરત મેયર હેમાલી બોઘાવાલા દ્વારા કરવામાં આવતી જાહેરાતોને લઈને મૂંઝવણ ઊભી થઈ હતી, જે લોકોને વચ્ચે પોતાની સારી છબી ઉભી કરવાનો પ્રયાસ સત્તાધીશો કરી રહ્યા છે. સુરત પોલીસ કમિશનર અને અનય સત્તાધીશો વચ્ચે એક સંકલન બેઠક યોજાઈ હતી જેમાં માસ્ક અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ એવા સમાચાર વહેતા થયા હતા કે સુરતમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારવામાં નહીં આવે પરંતુ માસ્ક આપવામાં આવશે અને આ ઉપરાંત સુરતના આસિસ્ટન્ટ સીપી દ્વારા પણ આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું કે માસ્ક વગર ફરતા લોકોને દંડ નહીં પરંતુ પોલીસ દ્વારા માસ્ક આપવામાં આવશે પરંતુ આજે સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો જાહેરમાં કોઈ માસ્ક વગર ફરતા દેખાશે તો તેમની પાસેથી દંડ લેવામાં આવશે.