સુરતમાં અલ્પેશની જેલમુક્તિ માટે મતભેદો ભુલી દરેક સંસ્થાના અગ્રણીઓએ ઘડી રણનીતિ

સુરતઃ પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા સહિત જેલમાં બંધ સાત પાટીદાર યુવકોને જેલમુક્ત કરવાની રણનીતિ ઘડવા માટે ગુજરાતભરના પાટીદાર અગ્રણીઓ સુરતમાં મળ્યાં હતાં. પાસ,એસપીજી સહિતની સંસ્થાના અનામતની માંગ સાથે સંકળાયેલા પાટીદાર ગ્રુપના અગ્રણીઓની બેઠક સુરત ખાતે મળી હતી. જેમાં આગામી સમયમાં ગુજરાતભરમાં એકસમાન કાર્યક્રમો આપીને અલ્પેશ સહિતના યુવકોને જેલમુક્ત કરવાની માંગ તેજ બનાવવા નિર્ણય લેવાયો હતો.બાદમાં પાસ દ્વારા બેસાડેલા ગણપતિના વિધ્નહર્તા વિસર્જન રેલીમાં બધા જોડાયા હતાં.

મતભેદો ભુલી પાટીદાર અગ્રણીઓ મળ્યાં

પાસ-એસપીજી સહિતના આંદોલનકારીઓ મતભેદો ભુલીને અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માટે વિધ્નહર્તાના વિસર્જન કાર્યક્રમ અગાઉ એક મિટીંગમાં મળ્યાં હતાં. સરથાણા જકાતનાકા પાસે આવેલી આશીર્વાદ સોસાયટીની વાડીમાં ગુજરાતભરના આંદોલનકારીઓ મળ્યાં હતાં.

દરેક સંસ્થાઓ વચ્ચે અગાઉ મતભેદો જોવા મળ્યાં હતાં. ત્યારે અલ્પેશ કથિરીયા સહિતના યુવકોને જેલમુક્ત કરવા માટે તમામ અગ્રણીઓ મતભેદો ભુલીને ફરી એક મંચ પર આવ્યાં હતાં.

ગુજરાતભરમાં ફરીથી કાર્યક્રમો અપાશે

પાટીદાર સંસ્થાઓ, આંદોલનકારી સંસ્થાઓના અગ્રણીઓની મળેલી આ મિટીંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, પાટીદાર યુવકોને જેલમુક્ત કરાવવા માટે જ કરવું પડશે તે કરીશું. ગુજરાતભરમાં એકસમાન કાર્યક્રમ આપવામાં આવશે. જેલમુક્તિની સાથે જ ફરીથી પાટીદારોની એકતાની તાકાતોનો પરિચય આપતાં કાર્યક્રમો ગુજરાતભરમાં એકસાથે અને એક સમાન રીતે આપવામાં આવશે.

અગ્રણીઓ રહ્યાં હાજર

પાસના ગુજરાતભરના કન્વીનરો, એસપીના લાલજી પટેલ સહિતના કન્વીનરો, દિનેશ બાંભણીયા, દિલીપ સાંબવા, મનોજ પનારા, ગીતાબેન પટેલ સહિતના પાટીદારો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

10 દિવસમાં છોડ્યા નથીઃ મનોજ પનારા

મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હાર્દિકે પારણા કર્યા ત્યારે 10 દિવસમાં અલ્પેશ સહિતના જેલમાં બંધ કાર્યકરોને છોડવાની વાત થઈ હતી. પરંતુ કોઈને મુક્ત કરાયા નથી. જેથી આગામી સમયમાં સરકાર જે ભાષામાં સમજે તે રીતે કાર્યક્રમો આપીને જેલમુક્ત કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.

અલ્પેશનું મોટું યોગદાનઃ લાલજી પટેલ

એસપીજીના લાલજી પટેલએ જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનકારીઓમાં ક્યારેય મતભેદો હતાં જ નહી. તમામની માંગ એક જ છે. અલ્પેશનું આંદોલનમાં મોટું યોગદાન છે. ઘણા સમયથી તેને જેલમાં બંધ કરીને સરકારે શું સાબિત કરવા માંગે છે. સરકાર સામે હવે અમે ઉગ્ર પણે કાર્યક્રમો આપીશું.

પાટીદારો દર્શાવશે એક્તાની શક્તિઃ ધાર્મિક

પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવીયાએ જણાવ્યું હતું કે, પાટીદારોએ વિધ્નહર્તના સ્થાપનની સાથે જ ભક્તિદ્વારા એકતાની શક્તિનો પરિચય આપ્યો છે. ત્યારે વિધ્નહર્તાની વિસર્જન યાત્રા દ્વારા ફરીથી એકતા દર્શાવીશું. અને અલ્પેશની જેલમુક્તિ માટે સમગ્ર ગુજરાતમાં એકતાની શક્તિનો પરિચય કરાવીશું.

ગંદી રાજનીતિઃ દિલીપ સાંબવા

દિલીપ સાંબવાએ જણાવ્યું હતું કે, સરકાર ગંદી રાજનીતિ કરી રહી છે. અમારું આંદોલન સરકાર અને સિસ્ટમની સામે છે. અલ્પેશ કથિરીયાને મુક્ત કરવો જોઈએ અને તેના માટે અમે બધા એક થઈને ફરીથી કાર્યક્રમો આપીશું.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here