હિજાબ વિવાદમાં ચુકાદો સંભળાવનાર કર્ણાટક હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોને Y કેટેગરીની સુરક્ષા કેમ આપવી પડી?

હિજાબ કેસ પર ચુકાદો સંભળાવનારા કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશોને રાજ્ય સરકારે Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ 20 માર્ચ (રવિવારે) આની જાહેરાત કરી છે. આ સાથે જજને ધમકાવવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોવાઈ રહેમતુલ્લાનો પણ સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધમકી આપનારાઓ વિરુદ્ધ વિધાના સોઢા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તમિલનાડુના મદુરાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમિલનાડુ તૌહીદ જમાતના સભ્ય કોવઈ રહેમતુલ્લા હિજાબ પર ચુકાદો આપનારા જજોને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હતા. વીડિયોમાં તે કહી રહ્યો હતો કે, ‘જો જજોને કંઈ થશે તો તેના માટે તે પોતે જ જવાબદાર હશે. ઝારખંડમાં મોર્નિંગ વોક દરમિયાન ખોટો ચુકાદો આપનાર જજની હત્યા કરવામાં આવી હતી.

દરમિયાન, બેંગલુરુ પોલીસે ન્યાયાધીશોને ધમકાવવાના કેસમાં કાર્યવાહી કરીને કોવાઈ રહેમતુલ્લાહ અને જમાલ મોહમ્મદ ઉસ્માનીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ, આ બંનેને તમિલનાડુના જુદા જુદા ભાગોમાંથી પકડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ વિસ્તારોમાં FIR નોંધવામાં આવી છે. બંનેની શનિવારે (19 માર્ચ) રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2022માં શરૂ થયેલો હિજાબ વિવાદ શાળાઓ દ્વારા કર્ણાટક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે પોતાના ચુકાદામાં હિજાબને ઈસ્લામના આવશ્યક ભાગ તરીકે ઓળખવાનો ઈન્કાર કર્યો હતો. આ નિર્ણયના વિરોધમાં અનેક મુસ્લિમ સંગઠનોએ 17 માર્ચ (ગુરુવારે) બંધનું એલાન આપ્યું હતું.

Scroll to Top