ગાંધીનગર: જો ગુજરાત સરકાર હાર્દિક પટેલની ખેડૂતોના દેવાં માફ કરવાની માંગને સ્વીકારી લેશે તો રાજ્ય સરકારનું નાણાંકીય બજેટ ખોરવાઈ જશે, કારણકે રાજ્ય સરકાર પાસે ખેડૂતોનાં દેવા ચુકવી શકે તે માટે રિસોર્સિસ નથી.
શું કહે છે આંકડા?
SLBCના લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતના 35 લાખ એગ્રીકલ્ચર લોન અકાઉન્ટ પાસેથી બેન્કોએ 82,075 કરોડ રુપિયા વસૂલવાના છે. જો રાજ્ય સરકાર આ દેવું માફ કરવા તૈયાર થઈ જાય તો, ગુજરાત રાજ્યના 2018-19ના 1.83 લાખ કરોડ બજેટના 45% અહીં ફાળવવા પડશે. ગુજરાતમાં કુલ ખેતીની લોન(એક વર્ષની પેમેન્ટ સાયકલ) 45,607 કરોડ છે, જ્યારે બાકીની એગ્રીકલ્ચર ટર્મ લોન્સ(3થી 9 વર્ષ) 36468 કરોડ રુપિયા છે.
સરકારી તિજોરી પર ભાર
જો રાજ્ય સરકાર માટે ક્રોપ લોન્સ માફ કરવા તૈયાર થઈ જાય તો પણ રાજ્યના કરદાતાઓ ભાર વધી જશે. રાજ્યના નાણાં વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં નાણાંની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો, સરકારી તિજોરી પર અત્યારે કોઈ પણ પ્રકારનો વધારો ભાર મુકવો યોગ્ય નથી. જો 10 ટકા દેવું માફ કરવુ હોય તો પણ સરકારે રેવન્યુમાં વધારો કરવો પડશે અને GSTને કારણે તે શક્ય નથી. આ પ્રકારની દેવા માફી માટે ટેક્સમાં વધારો કરવો પડે જે GSTને કારણે શક્ય નથી, પણ ફ્યૂઅલ પર VATમાં વધારો કરી શકાય.
વાતચીતની જરુર
દિગ્ગજ અર્થશાસ્ત્રી, સેન્ટ્રલ યૂનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સલર, સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના પ્રોફેસર વાય. અલઘ જણાવે છે કે, મારી સલાહ છે કે સરકારે હાર્દિક સાથે બેસીને એક મોડર્ન પેકેજ તૈયાર કરવો જોઈએ, જેમાં યુવાનો માટે ઉચ્ચ શિક્ષણની તકો, સ્ટાઈપેન્ડની જોગવાઈ અને એગ્રીકલ્ચર તેમજ રુરલ ડેવલોપમેન્ટ માટે મોડર્ન ઈન્ફ્રાસ્ટ્ક્ચર હોય. જો આટલા વર્ષો પછી પણે 40 ટકા SSP કેનાલ્સ ખેડૂતો સુધી નથી પહોંચી શકી, આ વર્ષે તે કામ પૂરું કરો. જો 10,000 યુવાનોને સારી જોબ મળે , આ પ્રકારના વિરોધ બંધ થઈ જશે.
નરેશ પટેલ પણ સરકાર સાથે કોઈ બેઠક નહીં કરે, હાર્દિક સ્વસ્થ થયા બાદ જ ચર્ચા
શુક્રવારે નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે હાર્દિક પટેલને ઉપવાસ તોડી નાખવા માટે સમજાવ્યો હતો.
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે, એવી માહિતી મળી છે કે નરેશ પટેલ આજે રાજકોટમાં જ રહેશે. તેઓ સરકાર સાથે કોઈ જ બેઠકમાં ભાગ નહીં લે. એવી માહિતી મળી છે કે હાર્દિક પટેલ સ્વસ્થ થયા બાદ જ સરકાર સાથે કોઈ ચર્ચા થશે. આ દરમિયાન પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો વચ્ચે બેઠકનો દોર ચાલુ રહેશે.
શુક્રવારે નરેશ પટેલે શું કહ્યું હતુ?
શુક્રવારે નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે હાર્દિક પટેલને ઉપવાસ તોડી નાખવા માટે સમજાવ્યો હતો. તેમજ ત્રણ માગણીને લઈને હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જે બાદમાં પત્રકાર પરિષદ કરીને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો સાથે મળીને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવાની વિનંતી કરી છે. નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ આગામી એક બે દિવસમાં ખોડલધામ અને ઉમાધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરશે અને બાદમાં આ સંયુક્ત રીતે સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે.
શુક્રવારે નરેશ પટેલે કરી હતી હાર્દિક પટેલ સાથે મુલાકાત
શુક્રવારે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી હતી. ચર્ચા દરમિયાન નરેશ પટેલે હાર્દિક પટેલને પારણા કરી લેવા માટે સમજાવ્યો હતો. મુલાકાત દરમિયાન પાસના મનોજ પનારા પણ હાજર રહ્યા હતા. મુલાકાત અંગે માહિતી આપતા નરેશ પટેલે જણાવ્યું કે, “તબિયતને લઈને પાટીદાર અને અન્ય સમાજ ચિંતિત છે. મેં આજે પહેલી વિનંતી એવી કરી છે કે હાર્દિક બને એટલા ઝડપથી પારણા કરી લે. હાર્દિક હજી પણ તેની ત્રણ માંગણી કરી રહ્યો છે. ત્રણેય માંગ અંગે મેં હાર્દિકને ખાતરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામ ધાર્મિક સંસ્થાઓ મળીને આજે સરકાર સમક્ષ આ વાત મુકશે. બંને એટલી ઝડપથી આ વાતનો નિવેડો લાવવાનો પ્રયાસ કરીશું. મેં હાર્દિકને ખાતરી આપી છે કે દરેક સંસ્થા તારી સાથે છે. આખા સમાજને તારી તબિયતની ચિંતા છે.”
‘હાર્દિકે પારણા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી’
“હાર્દિકે પારણા કરવા અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ તેણે એવું કહ્યું છે કે ટૂંક સમયમાં હું તમને જણાવીશ કે ક્યારે પારણા કરીશ. હાર્દિકે મને મંજૂરી આપી છે કે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો મળીને સરકાર સાથે ત્રણ મુદ્દે ચર્ચા કરવા આગળ વધો.”
સરકાર આગળ આવે
14 દિવસના ઉપવાસ છતાં સરકાર તરફથી અહીં કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી ખાતે મોકલીને હાર્દિક સાથે ચર્ચા કરે.
તેવર હજુય યથાવત
આ પહેલા જ્યારે હાર્દિકને સોલા સિવિલમાં લઈ જવાયો ત્યારે હોસ્પિટલમાંથી હાર્દિકે ટ્વીટ કર્યું છે કે, તબિયત બગડવાને કારણે મને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે, કિડનીને નુક્સાન થયાનું પણ કહેવાઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી ભાજપવાળા ખેડૂતો અને પાટીદારોની માગ માનવા તૈયાર નથી.
‘હાર્દિક અને ટીમે પાટીદાર આગેવાનોનું અપમાન કર્યું’
હાર્દિકને હોસ્પિટલમાં ખસેેડાયા બાદ ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિકને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, સરકારે પાટીદારોની છએ છ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાથે વાતચીત કરી છે અને તેઓ કહેશે ત્યારે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, હાર્દિક અને તેમની ટીમે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું અપમાન કર્યું છે. તેમજ તેમણે ‘પાસ’ સાથે વાતચીત માટે પણ સરકાર તૈયાર હોવાનું જણાવતા કહ્યું કે, ‘પાસ’ તરફથી વાતચીત માટે સરકાર સમક્ષ એકપણ વખત રજૂઆત કરવામાં આવી નથી.
તેમણ કહ્યું કે, સમાજના આગેવાનોએ કહ્યું ત્યારે અમે મિટિંગ કરી છે અને મુખ્યમંત્રી અહીં નહીં હોય તો અમે મંત્રીઓ અહીં જ છીએ અને સમાજના આગેવાનો ઈચ્છે ત્યારે અમને મળવામાં કોઈ વાંધો નથી. આ ઉપરાંત સૌરભ પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, 50 ટકાની મર્યાદામાં કઈ રીતે અનામત આપી શકાય તે અંગે કોંગ્રેસે તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઈએ.
ચાર મંત્રીઓની કમિટી નરેશ પટેલ સાથે કરશે મિટિંગ
દરમિયાનમાં જાણવા મળ્યા મુજબ, સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થી બનવા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે તૈયારી દર્શાવ્યા બાદ સરકાર તરફથી કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એમ ચાર મંત્રીઓની એક કમિટી બનાવી છે, જે આવતીકાલે નરેશ પટેલ સહિતના પાટીદાર અાગેવાનો સાથે હાર્દિકની માગણીઓને લઈને વાતચીત કરશે.
સરકાર ફોન કરીને જણાવે ક્યારે વાત કરવી છે: પાસ
સૌરભ પટેલ દ્વારા વાતચીત માટે તૈયારી હોવાનું કહેવામાં આવ્યા બાદ, પાસના કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે, ‘જો સરકાર વાતચીત માટે તૈયાર હોય તો સરકારના કોઈ મંત્રી કે અધિકારી દ્વારા મને પર્સનલ નંબર પર ફોન કે મેસેજ કરીને સમય અને સ્થળ જણાવવામાં આવે. અમે પણ વાતચીત કરવા તૈયાર છીએ.’
શ્વાસ લેવામાં તકલીફ
હાર્દિક પટેલને આજે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાસના કન્વિનર મનોજ પનારાના જણાવ્યા અનુસાર, હાર્દિકે શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરિયાદ કરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પનારાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, હાર્દિક પોતાના ઉપવાસ ચાલુ રાખશે.
હોસ્પિટલમાં પહેલાથી જ વ્યવસ્થા કરાઈ દીધી હતી
ઉપવાસના 14મા દિવસે હાર્દિક પટેલને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવા માટેની વ્યવસ્થા અગાઉ જ ઉભી કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા સિવિલમાં સામાન્ય દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે હાર્દિકને છઠ્ઠા માળે ટ્રીટમેન્ટ આપવાની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સોલા સિવિલની ટીમ અને એક કિડની એક્સપર્ટ પણ હાર્દિકના ઘરે હાજર રખાઈ હતી.
હાર્દિક અનશન પૂરા કરે તો પણ તેને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ આપવી જરુરી હતી. કારણકે, 14 દિવસ સુધી ભૂખ્યા રહ્યા બાદ તેને શરુઆતમાં માત્ર લિક્વિડ જ આપવામાં આવશે. તેના શરીરમાં ગ્લૂકોઝનું પ્રમાણ ઘટી ગયું હોવાથી તેને ગ્લૂકોઝના બાટલા ચઢાવાશે. થોડા દિવસની ટ્રીટમેન્ટ બાદ હાર્દિકની સ્થિતિ નોર્મલ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા અપાશે