કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સવાલ ઉઠાવ્યો છે કે જો વેક્સીન દરેક માટે મફત છે, તો ખાનગી હોસ્પિટલો આના માટે પૈસા કેમ લઇ રહી છે. રાહુલ ગાંધીનું આ નિવેદન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના સંબોધન પછી આવ્યું છે જેમાં તેમને કહ્યું છે કે અત્યારસુધી દેશના કરોડો લોકોને મફત વેક્સીન મળી છે. હવે તેમાં 18 વર્ષની ઉંમરના લોકો પણ જોડાશે. બધા દેશવાસીઓને માટે ભારત સરકાર જ મફત વેક્સીન ઉપલબ્ધ કરાવશે. તેમને કહ્યું કે 21 જૂન (વિશ્વ યોગ દિવસ) પછી થી 18 વર્ષથી ઉપરના બધા નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને વેક્સીન પૂરી પાડશે. વેક્સીન ના 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ખરીદીને રાજ્ય સરકારોને મફતમાં આપશે.
કોરોના વાયરસની બીજી લહેરમાં દેશમાં ખરાબ હાલત અને રસીકરણ નીતિમાં કથિત ગેરરીતિઓને લઈને રાહુલ ગાંધી પીએમ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટર પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તાજેતરમાં જ ટ્વિટર પર બ્લૂ ટિકને લઈને ઉભો થયેલ વિવાદના બહાને કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકાર બ્લૂ ટિક માટે લડી રહી છે. જનતાને જો કોરોના વાયરસ રસી (Coronavirus Vaccine) જોઈએ છે, તો તેઓ આત્મનિર્ભર બને.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘બ્લૂ ટિક માટે મોદી સરકાર લડી રહી છે – કોવિડ રસી જોઈએ તો આત્મનિર્ભર બનો!’ હકીકતમાં, ટ્વીટરએ બે દિવસ પહેલા જ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) સહિતના ઘણા નેતાઓના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટરએ બ્લૂ ટિકને હટાવી દીધું હતું. કોઈપણ ટ્વિટર હેન્ડલ પર બ્લૂ ટિક વેરિફાઇડ એકાઉન્ટની પુષ્ટિ કરતા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંબોધનમાં ખાસ કરીને રાજ્યો ના કેન્દ્રની રસીકરણ નીતિ અંગે કરવામાં આવેલી ટીકા અંગે ખુલ્લેઆમ પોતાની વાત રાખી. પીએમ મોદીએ કહ્યું કે રાજ્યોએ જ કહ્યું હતું કે તેમને રસી ખરીદવાની અને રસી આપવાનો અધિકાર આપવામાં આવે અને યુવાનોને પણ રસી અપાવવામાં આવે. પરંતુ તેમને આ અભિયાનની અડચણ અને મુશ્કેલીઓનો અહેસાસ હવે થઈ ગયો છે.
પીએમ મોદીએ કહ્યું કે 21 જૂન, યોગ દિવસના સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકો માટે કેન્દ્ર સરકાર મફત વેક્સીન આપશે. વેક્સીન ઉત્પાદકોના કુલ ખર્ચનો 75 ટકા હિસ્સો પોતે કેન્દ્ર સરકાર ઉઠાવશે. રાજ્યોએ કોરોના વેક્સીન પર કંઇપણ ખર્ચ કરવો પડશે નહીં. દેશમાં બનાવવામાં આવી રહેલ વેક્સીન માં 25 ટકા ખાનગી હોસ્પિટલો લઈ શકે છે, તેની વ્યવસ્થા ચાલુ રહેશે. ખાનગી હોસ્પિટલો 150 રૂપિયા જ સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે. તેની દેખરેખ રાજ્ય સરકારો જ કરશે.