રાજકોટ: રોજેરોજ દારુ પીને આવતા અને ઘરમાં કહેર વર્તાવતા પતિને રણચંડી બનેલી મહિલાએ એવો પાઠ ભણાવ્યો છે કે તે હવે તેની જિંદગીમાં ક્યારેય પત્નીને પરેશાન નહીં કરે. રાજકોટમાં ગુરુવારે રાત્રે બનેલી ઘટનાનો વીડિયો જોરદાર વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પતિના ત્રાસથી કંટાળેલી મહિલા રણચંડી બની તેને નાગો કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ઘરથી પોલીસ સ્ટેશન સુધી જતા આ મહિલાએ પતિનું નગ્ન હાલતમાં જ રસ્તા પર સરઘસ કાઢ્યું હતું, અને રસ્તે આવતા-જતા લોકોએ પણ આ દારુડિયા પર હાથ સાફ કર્યો હતો. કોઠારિયા રોડની આ ઘટનાનો વીડિયો શુક્રવારે આખાય રાજકોટ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. વીડિયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે તેનું નામ જિજ્ઞેશ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધાયો છે. જિજ્ઞેશ અને તેની અલગ રહેતી પત્ની હિના વચ્ચે ગુરુવારે જોરદાર ઝઘડો થયો હતો, અને આ દરમિયાન રોષે ભરાયેલી હિનાએ જિજ્ઞેશના કપડાં ફાડી નાખ્યા હતા, અને તેને નગ્ન હાલતમાં જ રસ્તા પર ચલાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
જિજ્ઞેશની રોજેરોજ દારુ પીને ઝઘડો કરવાની આદતને કારણે હિના તેનાથી અલગ એક બીજા વ્યક્તિ સાથે લીવ-ઈનમાં પોતાના દીકરા સાથે રહેતી હતી. જિજ્ઞેશ ભક્તિનગરમાં પોતાની મા સાથે રહેતા તેના દીકરાને મળવા ગયો હતો. જોકે, આ દરમિયાન હિના અને જિજ્ઞેશ વચ્ચે ઝઘડો થયો હતો, અને હિનાએ તેને ફટકારવાનું શરુ કરી દીધું હતું.
હિનાએ ઝઘડા દરમિયાન જિજ્ઞેશના કપડાં પણ ફાડી નાખ્યા હતા, આ દરમિયાન પાડોશીઓએ આવીને પણ જિજ્ઞેશને ફટકાર્યો હતો. ત્યારબાદ હિના જિજ્ઞેશને નગ્ન હાલતમાં જ લઈને રસ્તા પર આવી હતી, અને દોઢ-બે કિમી દૂર આવેલા પોલીસ સ્ટેશન સુધી તેનું સરઘસ કાઢ્યું હતું. જેનાથી રસ્તા પર તમાશો ખડો થઈ ગયો હતો, અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ વીડિયો લેવા માડ્યા હતા.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવીના જણાવ્યા અનુસાર, આ મામલે એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિજ્ઞેશને લોકો નગ્ન હાલતમાં જ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. હિના જિજ્ઞેશથી અલગ થઈ પોતાના પ્રેમી સાથે લીવ-ઈનમાં રહેતી હોવાનું પણ પોલીસે કહ્યું હતું.
હિનાની પાડોશમાં રહેતી ધારા ચોટલિયા નામની એક મહિલાના જણાવ્યા અનુસાર, જિજ્ઞેશ અવારનવાર દારુ પીને હિનાના ઘરે આવતો હતો, અને તેની સાથે ઝઘડો કરી ગંદી ગાળો બોલતો હતો. આ મામલે પોલીસને યોગ્ય પગલાં લેવા લોકોએ પહેલા પણ ફરિયાદ કરી હતી.