વડોદરા કોર્ટે કરેલા હુકમ પ્રમાણે પત્નીને ભરણ પોષણ આપી ન શકનાર પીડિત પતિએ માતા-પિતાની સૂચનાથી જેલમાં જવાનું પસંદ કર્યું હતું. આ પત્ની પીડિત પતિને તેના જેવા પત્નીથી પરેશાન મિત્રોએ વરઘોડો કાઢીને પોલીસ મથકમાં હાજર કરાવ્યો હતો. આક્રંદ કરી રહેલા માતા-પિતા સાથે ફૂલ-હાર પહેરીને પોલીસ મથકમાં સ્થાનિક લોકો સાથે પોલીસ મથકમાં આવેલા યુવાનને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પત્ની પીડિત પતિ વરઘોડો કાઢી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
આ કિસ્સાની હકીકત એવી છે કે, વડોદરા શહેર નજીક સયાજીપુરામાં ગામમાં હેમંત મનુભાઇ રાજપુત રહે છે. 15 વર્ષ પહેલાં તેનું લગ્ન સુનિતા સાથે થયું હતું. હેમંત છૂટક નોકરી કરીને પત્ની અને વૃદ્ધ માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો. હેમંતને 15 વર્ષના સાંસારીક જીવનમાં સંતાન સુખ ન હતું. શરૂઆતના સમયમાં હેમંત અને સુનિતાનું લગ્ન જીવન સુખમય ચાલતુ હતું. વર્ષો પછી સુનિતાએ પતિને તેના માતા-પિતાથી અલગ રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ, હેમંત માતા-પિતાને છોડીને પત્ની સાથે અલગ રહેવા માંગતો ન હતો. પરિણામે પત્ની સુનિતાએ પતિ અને વૃદ્ધ સાસુ-સસરા સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. આખરે પત્ની સુનિતાએ પતિ સામે કોર્ટમાં ભરણ પોષણ માંગતો દાવો દાખલ કર્યો હતો.
કોર્ટે સુનિતાની અરજીને ધ્યાને લઇને પતિ હેમંતને માસિક રૂપિયા 3500 ભરણ પોષણ પેટે આપવા માટે હુકમ કર્યો હતો. અને કોર્ટે એમ જણાવ્યું કે, જો પતિ ભરણ પોષણ ન ચૂકવે તો જેલમાં જવાનો હુકમ કર્યો હતો. હેમંત માટે માસિક રૂપિયા 3500 ચૂકવવા અશક્ય હતા. આથી તેણે તેના માતા-પિતાને વાત કરી. માતા-પિતા જાણતા હતા કે, પુત્રવધૂને ખોટી રીતે હેરાન કરી રહી છે. માતા-પિતા પુત્ર નિર્દોષ હોવાનું જાણતા હતા.
માતા-પિતાએ પુત્રને સલાહ આપી….કહ્યુંઃ અમારી ચિંતા કરીશ નહીં, જેલની સજા ભોગવી લે…
પુત્રવધૂને ભરણ પોષણ ન ચૂકવવા માટે માતા-પિતાએ પુત્રને સલાહ આપીને જેલમાં જવા માટે ભારે હૈયે જણાવ્યું હતું. સાથે માતા-પિતાએ એમ પણ જણાવ્યું કે, અમે કોઇપણ હાલતમાં અમારું ગુજરાન ચલાવી લઇશું. અમારી ચિંતા કરીશ નહીં. પરંતુ, જેલની સજા ભોગવી લે.
હેમંતે જલમાં જવાનો નિર્ણય કરતા તેના પત્નીથી પરેશાન મિત્રો પણ તેની વ્હારે આવ્યા હતા. અને આજે હેમંતને ફૂલ-હાર કરીને બાપોદ પોલીસ મથકમાં હાજર કરવા માટે લઇ આવ્યા હતા. હેમંતને જેલમાં મોકલવા માટે માતા-પિતા તેમજ સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જ્યારે હેમંતે પોલીસ મથકમાં જવા માટે ડગ માંડ્યા ત્યારે માતા-પિતા તેઓના આંસુ રોકી શક્યા ન હતા. અને પુત્રને ભેટીને ચોંધાર આંસુએ રડી પડ્યા હતા.
પોલીસ મથકની બહાર ફૂલ-હાર પહેરીને પોલીસ મથકમાં આવેલા યુવાન અને તેના માતા-પિતાને રડતા જોઇ પોલીસ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે વિગત મેળવ્યા બાદ હેમંતની અટકાયત કરી હતી. અને તેણે કોર્ટમાં હાજર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.