મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક વિવાદને પગલે રવિવારે અહીં એક 30 વર્ષીય મહિલાએ તેના ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના ત્રણ માસૂમ બાળકોના મોત થયા છે જ્યારે મહિલા અને તેની એક પુત્રીનો બચાવ થયો છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ગભરાઈને મહિલા બહાર આવી
કૂવામાં કૂદી પડતા જ મહિલા ડરી ગઈ અને બહાર આવવાની કોશિશ કરવા લાગી. આ દરમિયાન તેણીએ તેની મોટી પુત્રી સાથે કૂવામાં લટકતું દોરડું પકડી લીધું હતું અને તેને પકડીને બહાર આવી હતી. પરંતુ મહિલાના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા હતા, જેમાં 18 મહિનાનો પુત્ર, 3 વર્ષની પુત્રી અને 5 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. પોલીસે ત્રણ બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
મહિલાને તેના પતિ સાથે ઝઘડો થયો હતો
પોલીસ અધિક્ષક રાહુલ કુમારે જણાવ્યું કે આ ઘટના બુરહાનપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર બાલદી ગામમાં બની હતી. તેમણે જણાવ્યું કે મહિલાની ઓળખ પ્રમિલા ભીલાલા તરીકે થઈ છે. મહિલાને તેના પતિ રમેશ સાથે ઝઘડો થયો હતો, જે બાદ તેણે આ ભયંકર પગલું ભર્યું હતું. હાલ પ્રમિલા અને તેની સાત વર્ષની પુત્રીની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસમાં જોડાઈ
એસપી રાહુલ કુમારે જણાવ્યું કે ત્રણેય મૃતદેહોને પ્રમિલાના ઘર પાસે સ્થિત કુવામાંથી કાઢવામાં આવ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસ મહિલાના પરિવારની પૃષ્ઠભૂમિની પણ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બુરહાનપુર જિલ્લાના નેપાનગર તહસીલના દાવલી ખુર્દ ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી હતી. અહીં એક ઘરમાંથી પતિ-પત્ની સહિત 3 સગીર છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃત બાળકોની ઉંમર 10 વર્ષથી ઓછી હતી. પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જો કે આ સામૂહિક આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.