એક મહિલા પહેલીવાર ડેટ માટે અજાણ્યા શખ્સના ઘરે પહોંચી. પરંતુ પછી લોકડાઉન લાગી ગયું અને તેણે તે વ્યક્તિ સાથે જ દિવસ પસાર કરવા પડયા. આ ઘટના ચીનના ઝેંગઝોઉ શહેરની છે. વાંગ નામની મહિલા ગયા બુધવારે અજાણ્યા વ્યક્તિને મળવા તેના ઘરે આવી હતી.
પરંતુ ત્યારે જ સમાચાર આવ્યા કે શહેરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. અને તેના કારણે મહિલા ત્યાં જ ફસાઈ ગઈ. વાંગે મંગળવારે એક અખબારને જણાવ્યું, ‘જ્યારે તે ઝેંગઝોઉ પહોંચી. ત્યાં અચાનક લોકડાઉન થઈ ગયું. કોઈને ક્યાંય જવાની પરવાનગી નહોતી, જેના કારણે મારે એ જ વ્યક્તિના ઘરે રહેવું પડ્યું.’
વાંગે જણાવ્યું કે તેના પરિવારના સભ્યો તેના લગ્ન માટે છોકરાઓ શોધી રહ્યા છે. તેમણે વાંગ માટે 10 છોકરાઓ જોઈ રાખ્યા હતા. એ જ છોકરાઓને મળવા વાંગ ઝેંગઝોઉ શહેર આવી હતી. આ છોકરાઓમાંથી એક વાંગને તેની કૂકિંગ સ્કિલ્સ બતાવવા માંગતો હતો. તેથી તેણે વાંગને તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું.
પરંતુ ભગવાનને કંઈક જુદું જ મંજૂર હતું અને લોકડાઉનને કારણે વાંગને તે જ વ્યક્તિના ઘરે રહેવું પડ્યું. વાંગે આ બધા દિવસોના કેટલાક નાના વીડિયો પણ બનાવ્યા છે. આમાં તેણે બતાવ્યું કે તે વ્યક્તિ તેના માટે કેવી રીતે ખાવાનું બનાવે છે. ઘરનું કામ કરે છે અને જ્યારે વાંગ સૂતી હોય છે, ત્યારે તે પોતાનું લેપટોપ લઈને ઓફિસનું કામ કરે છે.
વાંગે કહ્યું કે તેને લગ્ન માટે એક પાર્ટનરની જરૂર છે જે તેની સાથે ઘણી વાતો કરે. પણ આ વ્યક્તિ બહુ ઓછી વાત કરે છે. પરંતુ તે સિવાય તે અન્ય દરેક બાબતમાં પરફેક્ટ છે. વાંગે કહ્યું, ‘એ ખાવાનું ભલે ઠીકઠાક બનાવે છે, પણ તેને તેને રસોઈનો બહુ શોખ છે. અને તે મને તેની આ વાત ખૂબ સારી લાગી.’
વાંગે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેને 60 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે, વાંગે પાછળથી તે વીડિયો હટાવી લીધો હતો. તેણે કહ્યું કે, આ વીડિયો સામે આવ્યા બાદ તે વ્યક્તિના મિત્રો તેને સતત ફોન કરવા લાગ્યા. અને ક્યાંક ને ક્યાંક તેના કારણે તેની અંગત જિંદગી પણ પ્રભાવિત થઈ શકે છે.
જણાવી દઈએ કે, ચીનના ઝેંગઝોઉ શહેરમાં ગયા અઠવાડિયે 100 થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.