ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં 10થી વધુના મોતની આશંકા સેવાઇ રહીં છે. તો અનેક લોકો પુલને પકડીને પોતાનો જીવ બચાવવા લટકયા હતા. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોસરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
મોરબી દુર્ઘટના અંગે PMO, CM ભૂપેન્દ્ર પટેલ અને અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ કેવડિયાનો કાર્યક્રમ પડતો મૂકીને ગાંધીનગર જવા રવાના થયા છે. તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ મોરબી જવા રવાના થયા છે.
PMO દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.
દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું છે. ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
CM ભૂપેન્દ્ર પટેલે આ અંગે વધુ જણાવ્યું કે, મોરબીની દુર્ઘટના અંગે PM નરેન્દ્ર મોદીએ મારી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીએ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા અંગે તથા તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું છે.
વધુમાં તેમણે લખ્યું કે, મોરબીની દુર્ઘટનાને પગલે PM સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.