નવરાત્રીના પ્રથમ દિવસે શૈલીપુત્રીની પૂજા કરો, કળશ સ્થાપન માટે આ છે સમય

આજથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે. અને પહેલા દિવસે જ નવરાત્રિના કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે અને લોકો આ 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. પહેલાં દિવસે કળશ સ્થાપાનું પણ ખાસ મહત્વ હોય છે. જાણી લો કળશ સ્થાપના માટેના શુભ મૂહૂર્ત.

રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ.

કળશ સ્થાપના માટે આ છે શુભ મૂહૂર્ત

સવારે 6.16 મિનિટથી 7.40 સુધીનું મૂહૂર્ત શુભ

દિવસે 11.48થી 12.35 મિનિટ સુધીનું મૂહૂર્ત શુભ

કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત.

આજે માતાજીના કળશની સ્થાપનાની સાથે સાથે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા દુર્ગાની કૃપા મેળવવા માટે કળશની સ્થાપના યોગ્ય સમયે કરવી જરૂરી છે. આ વર્ષે નવરાત્રિમાં કળશ સ્થાપના માટે સવારે 6.16 મિનિટથી 7.40 સુધી અને દિવસે 11.48થી 12.35 મિનિટ સુધીનું મૂહૂર્ત શુભ છે. આ સમયે તમે નવરાત્રિના કળશની સ્થાપના કરી શકો છો.

આ રીતે કરો સ્થાપના.

નવરાત્રિમાં 9 દિવસ સુધી માની આરાધના કરવાથી માતા પોતાના ભક્તોની મનોકામના પૂરી કરે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના એટલે કળશ સ્થાપના.

નદીની રેતીનો આ માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. માટીની સાથે તેમાં જવ ઉમેરો. આ સિવાય કળશમાં ગંગાજળ, લવિંગ, એલચી, પાન, સોપારી, રોલી, કલાવા, ચંદન, ચોખા, હળદર, રુપિયો અને ફૂલ મૂકો, પછી ‘ઓમ ભૂમ્યૈ નમઃ’ મંત્રનો જાપ કરતાંની સાથે સાત અનાજને રેતી ઉપર સ્થાપિત કરો.

કળશની સાથે જ 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવો. કળશ સ્થાપનાના પૂજા સ્થાને અલગ પાટલા પર લાલ અને સફેદ કપડું પાથરો. તેની પર ચોખા અને અષ્ટદલ બનાવો અને તેની પર પાણી ભરેલો કળશ સ્થાપિત કરો.

ધ્યાન રાખો કે કળશનું મોઢું હંમેશા ઢાંકેલું હોય. તેને કોઈ વસ્તુથી ઢાંકો, કળશમાં ચોખા ભરો અને તેની વચ્ચે નારિયેળ રાખો. કળશની સ્થાપના કરી રહ્યા છો તો બંને સમયે મંત્રનો જાપ કરો. હનુમાન ચાલીસા કે સપ્તશતીનો પાઠ તેના માટે યોગ્ય છે. પૂજા કર્યા બાદ માતાજીને બંને સમયે ભોગ ધરો.

પહેલા દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા.

દેવી ભાગવત મુજબ હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે). નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે.

આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.

આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. પ્રથમ નોરતે માનું પૂજન અર્ચન કરવાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે. હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે. મહિલાઓ માટે તેમની પૂજા કરવી જ શ્રેષ્ઠ અને મંગળકારી છે.

માતા શૈલપુત્રીની આરાધના માટે ભક્તોએ નીચે પ્રમાણેના મંત્રનો જાપ કરવો જોઈએ જેથી તેઓ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે

 

માતાનું પહેલું સ્વરૂપ છે શૈલપુત્રી

મંત્ર

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।
वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

અર્થાત્- મા ભગવતી આપ સમસ્ત મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. તમે વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. તમારા ભાલમાં દિવ્ય તેજ સમાન ચંદ્રમાં ને ધારણ કરેલ છે. હૈ મા શૈલપુત્રી તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા છો અને ભક્તોની રક્ષા કરનારા છો.

શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાજીના મંત્ર જાપ અને આરાધના કેવી રીતે કરી શકાય તે જાણીએ. નીચે દર્શાવેલ મંત્રની શક્ય હોય તો નવ માળા કરવી.

विशोका दुष्टदमनी शमनी दुरितापदाम्।
उमा गौरी सती चण्डी कालिका सा च पार्वती.

આ મંત્ર જાપ સાચા ઉચ્ચારણથી કરવો જોઈએ અથવા તો બ્રાહ્મણને નિમંત્રણ આપી દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની મહાપૂજા કરી ચંડીપાઠ કરાવવો અને ભક્તોએ મંત્ર ન કરી શકે તો નવાર્ણ મંત્રની નવ માળા કરવી. આ સિવાય ‘ॐ ऐं ह्रीं क्लीं शैलपुत्र्यै नम:।’ બીજમંત્રનો જાપ કરવાથી પણ ધારેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો.

પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ લગાવવામાં આવે છે. આમ કરવાથી મનુષ્યો તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ પામે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top