ગુજરાતના પોરબંદરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠેથી અરબી સમુદ્રમાંથી 10 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ બોટનું નામ યાસીન જણાવવામાં આવી રહ્યું છે, જેના પર પાકિસ્તાની નાગરિકો સવાર હતા. આ ઓપરેશન ભારતના કોસ્ટ ગાર્ડ શિપ અંકિત દ્વારા કરવામાં આવ્યું છે. તમામ પકડાયેલા પાકિસ્તાનીઓને પોરબંદર લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ ઘટના 8 જાન્યુઆરીની રાતે બની હતી. જેમાં પાકિસ્તાનના 12 ક્રૂ મેમ્બર હતા.
આ કોઈ પહેલો કિસ્સો નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં પકડાઈ હોય. આના બે દિવસ પહેલા શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં બોર્ડર ચોકી પાસે એક લાવારિસ પાકિસ્તાની બોટને જપ્ત કરી હતી. ફિરોઝપુર પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાને કારણે સંવેદનશીલ જિલ્લો છે. અગાઉ, પાકિસ્તાન તરફથી અનેક ડ્રોન જિલ્લામાં ભારતીય સરહદનો ભંગ કરી ચૂક્યા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડીટી મોલ બોર્ડર ચોકી પાસે પેટ્રોલિંગ કરતી વખતે લાકડાની બોટ 136 બટાલિયનના જવાનોએ જોઈ હતી.
શિયાળા દરમિયાન આ વિસ્તાર ગાઢ ધુમ્મસથી ઢંકાયેલો રહેતો હોય છે. બોટ મળી આવ્યા પછી, અમે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું અને સ્થાનિક ગામડાઓને ચેતવણી આપી કે તેઓ કોઈ શંકાસ્પદ હિલચાલજુએ તો બીએસએફને જાણ કરે. આવી બોટનો ઉપયોગ મોટાભાગે સરહદ પારથી માદક દ્રવ્યો અને હથિયારોની દાણચોરી માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના દરિયાકાંઠે એક બોટ ઝડપાઈ હતી. તેના પર 12 પાકિસ્તાની હતા. તાજેતરના સમયમાં એવું જોવા મળ્યું છે કે પાકિસ્તાનીઓ ભારત સહિત અન્ય દેશોમાં પાણી મારફતે ડ્રગ્સની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા મહિને જ જ્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે પાકિસ્તાની બોટ અલ હુસૈની ભારતીય જળસીમામાં પકડાઈ હતી. જ્યારે અલ હુસૈની નામની આ બોટની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 77 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 400 કરોડ રૂપિયાની નજીક હોવાનું કહેવાય છે. આ દરમિયાન બોટમાં સવાર છ લોકો પણ ઝડપાયા હતા.