અભિનેતા કરણ મેહરા અને તેની પત્ની અભિનેત્રી નિશા રાવલ વચ્ચે ઘણા દિવસોથી મતભેદોના સમાચાર મળી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, પત્ની નિશા રાવલ સાથે ઘરેલુ હિંસા કરવા બદલ કરણ મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં કરણ મેહરા ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં છે અને મુંબઈ પોલીસ તેમનું નિવેદન નોંધી રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચે અણબનાવના સમાચાર મળી રહ્યા છે. આ અંગે દંપતી સાથે વાત પણ કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ આ અંગે કંઇ પણ કહેવાની ના પાડી. પરંતુ નિશા રાવલે તમામ અફવાઓને સંપૂર્ણ રીતે નકારી હતી અને કહ્યું હતું કેે, અમારી વચ્ચે બધુ બરાબર છે. કરણની ધરપકડથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, દંપતીની વચ્ચે બાબતો બરાબર નથી.
તમને જણાવી દઈએ કે, કરણ મેહરા અને નિશા રાવલની મુલાકાત વર્ષ 2008 માં ફિલ્મ ‘હંસતે હંસતે’ ના સેટ પર થઈ હતી. કરણ મેહરા તે ફિલ્મમાં સ્ટાઈલિશ તરીકે કામ કરતો હતો. એક અભિનેતા ઉપરાંત કરણ મેહરા ફેશન ગ્રેજ્યુએટ પણ છે. નિશાને જોતા જ કરણ મેહરા તેના પ્રેમમાં પડી ગયા. કેટલાક વર્ષો સુધી એકબીજા સાથે ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા.
અભિનેતા કરણ મેહરાનું ટીવીની દુનિયામાં સૌથી પ્રખ્યાત નામ છે, જે લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિક સિંઘાનિયાની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. તેની સાથે હિના ખાન મુખ્ય ભૂમિકામાં હતી, જેણે અક્ષરાનો રોલ ભજવ્યો હતો. કરણે ‘બિગ બોસ 10’ માં પણ ભાગ લીધો હતો અને નિશાની સાથે ‘નચ બલિયે 5’ અને ‘કિચન ચેમ્પિયન 5’ માં પણ ભાગ લીધો હતો.