વારસિયા વિસ્તારમાં પ્રેમલગ્ન કરી રહેનાર યુવક દ્વારા ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવામાં આવ્યું છે. પત્ની 15 દિવસથી ઘર છોડી પિયર ચાલી જતા એકલો પડેલો યુવક ટેન્શનમાં આવી ગયો હતો. તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે. આ બાબતમાં સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વારસિયા વિસ્તારમાં આવેલી વેદમાતા ગાયત્રી સોસાયટીમાં 30 વર્ષનો રાહુલ હોતચંદાની નામનો યુવક રહેતો હતો. બે વર્ષ પહેલાં તેમણે સોસાયટીમાં જ રહેનાર એક પુત્રીની માતા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતાં. તે પરિવાર સાથે મકાનના ઉપરના માળે જ રહેતો હતો. જયારે પિતા કનૈયાલાલ બ્રેડનો ટેમ્પો ચલાવવાનું કામ કરતા અને તેમનો પુત્ર રાહુલ તેમાં તેમની મદદ કરતો હતો.
છેલ્લા 15 દિવસથી પત્ની સાથે ઝઘડો થઈ રહ્યો હતો અને પત્ની તેની 7 વર્ષની પુત્રીને લઈ તેના પિયરમાં રહેવા લાગી હતી. આ દરમિયાન બુધવારે મોડી રાત્રે તે ઉપરના માળે સુઈ રહ્યો હતો પરંતુ જ્યારે સવારે પિતા ઉઠાડવા ગયા તો પિતા ચૌકી ગયા કેમકે મકાનમાં રાહુલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં સિટી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે રાહુલે અંતિમ પગલું ભરતાં પહેલાં સોશિયલ મીડિયા પર છેલ્લે સ્ટેટ્સ શેર કરી જણાવ્યું હતું કે, I’m sorry, Mummy papa and roma, Miss you vanshi. બનાવના સંબંધમાં પોલીસ દ્વારા વિવિધ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.