આજે સક્સેસ સ્ટોરીમાં વાત કરીશું દેશના સૌથી યુવા અરબપતિ નિખિલ કામતની જેઓ સ્કૂલ ડ્રોપઆઉટ તો છે પરંતુ ભારતની બ્રોકરેજ ફર્મ ZERODHA ના કો-ફાઉન્ડર પણ છે. સ્કુલ બંક મારવી, બંક મારીને મિત્રો સાથે શતરંજની રમત રમવી, સ્કુલમાં હાજરી ઓછી હોવાથી પરીક્ષા ન દેવી અને આખરે સ્કુલ ડ્રોપઆઉટ થવું. આવા વ્યક્તિની વાર્તા તમને ફિલ્મી લાગતી હશે.
જો કે આ સત્ય વાર્તા ભારતના યુવા અરબપતિ નિખિલ કામતની છે. નિખિલ કામત હાલ 34 વર્ષના છે. આ ઉંમરમાં તેઓ દેશના સૌથી યુવા અરબપતિ બની ગયા છે. નિખિલ કામત બ્રોકરેજ ફર્મ ZERODHA ના કો-ફાઉન્ડર છે. આજે ઝીરોધા દેશની સૌથી મોટી બ્રોકરેજ કંપની છે.
આ કંપનીની શરૂઆત નિખિલે 2010માં કરી હતી. માત્ર 14 વર્ષની ઉંમરમાં નિખિલ કામતને બિઝનેસ માટે એક આઈડિયા આવ્યો. નિખિલે પોતાના મિત્રો સાથે મળીને જૂના ફોનના ખરીદ-વેચાણનું કામ શરૂ કર્યું. પરંતુ જ્યારે પરિવારજનોને આ અંગે જાણ થઈ ત્યારે નિખિલના માતાએ તમામ ફોન ટોઈલેટમાં ફ્લશ કરી દીધા. અને આખરે કામતનો બિઝનેશ બંધ થયો.
છેલ્લા એક ઈન્ટરવ્યુમાં નિખિલે કહ્યું કે તેમને સ્કુલની પરંપરાગત શિક્ષણમાં મન લાગતું ન હતું. કામતે માન્યું કે ભલે 14 વર્ષની ઉંમરે તેમણે જૂના ફોન ખરીદ-વેચાણનું કામ શરૂ કર્યું, પરંતુ તેમનો પહેલો બિઝનેસ આ જ હતો. નિખિલ કામતને શતરંજનો ખેલ બહું પસંદ છે. નિખિલ કામતની જિંદગીમાં મોટો વણાંક ત્યારે આવ્યો, જ્યારે ઓછી હાજરીને કારણે તેને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી. આ ઘટના બાદ નિખિલે સ્કુલ છોડી દીધી. તેના માતા-પિતા આ ઘટનાથી પરેશાન હતા.
સ્કુલમાંથી ડ્રોપઆઉટ થયા બાદ નિખિલને પણ સમજણ પડી રહી ન હતી કે હવે કરવું શું. સ્કુલમાંથી ડ્રોપઆઉટ બાદ નિખિલ એક કોલ સેન્ટરમાં રૂપિયા 8000 પ્રતિ મહિને નોકરી પર લાગી ગયો. આ નોકરી મેળવવા માટે નિખિલે નકલી બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો.
આ સમયે નિખિલની ઉંમર 17 વર્ષની હતી. કોલ સેન્ટરમાં કામ કરતી વખતે નિખિલને શેર બજારમાં શોક જાગ્યો અને 18 વર્ષની ઉંમરે તેણે શેર બજારમાં હાથ અજમાવ્યો. શરૂઆતમાં તેણે કોલ સેન્ટરના મેનેજર સહિત કર્મચારીઓના રૂપિયા શેર બજારમાં લગાવ્યા, જે-જે લોકોએ ભરોસો કરી નિખિલને રૂપિયા આપ્યા, તેમને શાનદાર રિટર્ન પણ મળ્યા હતા.