માણસમાં આત્મવિશ્વાસ વિશ્વાસ હોય તો દિવ્યાંગ હોવા છતાં ગમે તે કામ કરી શકે છે: આ દિવ્યાંગ ડિલિવરી બોયએ પૂરું પાડ્યું ઉદાહરણ

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો તેના એક કર્મચારીના મુદ્દે ચર્ચામાં આવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર ઝોમેટોનો દિવ્યાંગ ડિલિવરી બોયને કારણે ચર્ચામાં આવી રહ્યું છે. આ દિવ્યાંગ ડિલિવરી બોયનું નામ હિતેષ ડાંગી જે 23 વર્ષનો હોવાનું જણાવવામાં આવ્યું છે, જે નાનપણમાં ચાલતાં શીખ્યો હતો ત્યારે જ તેને ખોટી રીતે રસી અપાઈ જતા ઈન્જેક્શનના કારણે તેનો ડાબો પગ છીનવાઈ ગયો હતો. જેના કારણે તેને જીવનભરની ખોડ રહી ગઈ છે. ત્યારે તેને હવે બે કાંખઘોડીના સહારે ચાલવું પડી રહ્યું છે. જો કે તેનો પગ છીનવાઈ ગયો હોવા છતાં તે હાર માન્યો નહિ અને હાલમાં પણ તે નોકરી કરી રહ્યો છે.

હિતેષને એક પગ જ નથી છતાં એ આખા અમદાવાદમાં ફરીને ઝોમેટોમાં ફૂડ પાર્સલ ડિલિવરી કરવાનું કામ કરી રહ્યો છે. હિતેષ ડાંગીનું મૂળ વતન દાહોદનું પીપલેટ ગામ છે. ગામડાંમાં કામ તો મળતું નહીં એટલે કામની શોધમાં હિતેષ ડાંગી પરિવાર સાથે અમદાવાદ આવી ગયો હતો. તેમના પિતા કલશીંગભાઇ અને હિતેષના બે નાનાં ભાઈઓ મજૂરી કામ કરે છે.

હિતેષ આ પહેલા તો કોલ સેન્ટરમાં કામ કરતો હતો. તેણે કોલ સેન્ટર માં બે મહિના કામ કર્યું પણ ફાવ્યું નહીં. પછી હિતેષે કરિયાણાની નાનકડી દુકાન શરુ કરી. તેમની આ દુકાન થોડા દિવસ ચલાવી ત્યાં કોરોના આવ્યો અને લોકડાઉન પણ લાગી ગયું. છેવટે દુકાન બંધ કરવી પડી હતી.

ત્યારબાદ ઝોમેટોના ડિલિવરી બોયનું કામ કરવું એ હિતેષે નક્કી કરી લીધું. હિતેષ કહે છે, આ કામ કરવાના બે કારણો હતા. એક તો બધું કામ ઓનલાઇન થાય. એટલે મને સહેલું પડે. બીજું, હેન્ડીકેપ્ડ તરીકે ચલેન્જ હતી. જો હું કરીશ તો બીજા હેન્ડીકેપ્ડ લોકોને પ્રેરણા મળશે. જો કે હિતેષ આટલી મહેનત કરે છે ત્યારે તેને મહિને 12 થી 13 હાજર રૂપિયા હાથમાં આવે છે.

જો કે, હિતેષ દિવ્યાંગ હોવાને કારણે તેને આ કામમાં ઘણી તકલીફો પડે છે પરંતુ તે મેનેજ કરી લે છે. અમદાવાદમાં નિયમ એવો છે કે એપાર્ટમેન્ટમાં ફૂડ ડિલિવરી બોયનું વ્હીકલ જવા દેતા નથી જેના કારણે પણ તેને તકલીફ પડે છે. હિતેષ પાસે થ્રિ-વ્હીલ સ્કૂટર છે જેને તેની બચત માંથી બનાવડાવ્યું છે જેમાં તેને 40 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

આ ઉપરાંત આ કામ દરમિયાન અમુક બિલ્ડિંગમાં લિફ્ટ નથી હોતી તો તે કસ્ટમરને ફોન કરીને કહે છે કે, હું હેન્ડીકેપ્ડ છું. તમે નીચે આવીને પાર્સલ લઇ જશો? તો મોટાભાગના કસ્ટમર નીચે આવીને લઇ જાય છે. જેમાં ઘણા લોકો ટિપ્સ પણ આપે છે.

નોંધનીય છે કે, ઝોમેટોમાં ફૂડ પાર્સલ ડિલિવરી બોયને તેમના કામના કલાક મુજબ પેમેન્ટ આપવામાં આવે છે. જેમાં સવારથી લઈને રાત સુધી માં 20 જેટલા ઓર્ડર ડિલિવર કરે છે તો તેમના હાથમાં 600 રૂપિયા આવે છે. જેમાંથી 250 રૂપિયા તો પેટ્રોલ પાછળ જ ખર્ચાઈ જાય છે. આ હિસાબે તેમને મહિને 12 થી 13 હજાર રૂપિયા ની બચત થાય છે. આ પૈસામાંથી તેમને મહિનાનો ખર્ચ પણ કાઢવાનો હોય છે. જો કે હાલમાં દિવસે ને દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે તેમની બચત પણ ઓછી થઇ ગઈ છે.

Scroll to Top