Better.com ના ભારતીય મૂળના CEO વિશાલ ગર્ગ, જેમણે ઝૂમ કોલ પર 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તેમને તાત્કાલિક રજા પર મોકલવામાં આવી રહ્યા છે. આ માહિતી કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના મેઇલમાંથી મળી છે. વિશાલની જગ્યાએ હવે કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર કેવિન રેયાન તેમનું કામ સંભાળશે.
Better.com ‘લીડરશીપ એન્ડ કલ્ચરલ એસેસમેન્ટ’ હાથ ધરવા માટે તૃતીય પક્ષ ફર્મને હાયર કરી રહ્યું છે જેની ભલામણોને કંપનીમાં લાંબા ગાળાની ટકાઉ અને સકારાત્મક સંસ્કૃતિ બનાવવા માટે ધ્યાનમાં લેવામાં આવશે. કંપનીનું કહેવું છે કે અમે સકારાત્મક કલ્ચર બનાવવા માંગીએ છીએ.
વિશાલ ગર્ગે તાજેતરમાં જ ઝૂમ કોલમાં 900 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વિશ્વભરના લોકોએ વિશાલ ગર્ગ અને Better.com ની આકરી ટીકા કરી હતી. આ પછી કંપનીએ વિશાલને રજા પર મોકલવાનો નિર્ણય લીધો છે.
તે 3 મિનિટના વીડિયો કૉલમાં વિશાલે 900 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જે કંપનીના લગભગ 9 ટકા કર્મચારીઓ હતા. વિશાલે ફાયરિંગ માટે બજારની કાર્યક્ષમતા, કામગીરી અને ઉત્પાદકતાને જવાબદાર ગણાવી હતી. આ છટણી બાદ થયેલી ટીકાને કારણે કંપનીના ટોચના ત્રણ કર્મચારીઓએ કંપનીને તેમના રાજીનામા સોંપી દીધા છે.