આંધ્ર પ્રદેશ: ઓક્સીજનની ઉણપના કારણે સરકારી હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત

કોરોના સંક્રમણથી પીડાઈ રહેલા દર્દીઓની દુ:ખદ મોત સિલસિલો ચાલુ છે. આંધ્રપ્રદેશના તિરૂપતિની રુઈયા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં પ્રેશરમાં ઉણપના કારણે 11 દર્દીઓનાં મોત કરુણ મોત નીપજ્યા છે.

ચિત્તૂર જિલ્લા કલેક્ટર હરીનારાયણે આ માહિતી આપી છે. સીએમ વાય એસ જગનમોહન રેડ્ડીએ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. સોમવારની મોડી રાત્રે સરકારી રુઈયા હોસ્પિટલમાં આઇસીયુના અંદર ઓક્સિજનની સપ્લાઈમાં સમસ્યાના કારણે ઓછામાં ઓછા 11 કોવિડ-19 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. ચિત્તૂર જિલ્લા મેજિસ્ટ્રેટ એમ હરિ નારાયણે જણાવ્યું છે કે, ઓક્સિજન સિલિન્ડરને ફરીથી લોડ કરવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો, જેના કારણે ઓક્સિજન સપ્લાયના અભાવે દર્દીઓનાં મોત થઈ ગયા હતા.

હરિ નારાયણે જણાવ્યું હતું કે, પાંચ મિનિટમાં ઓક્સિજન સપ્લાય પુન:સ્થાપિત થઈ ગઈ હતી અને બધું સામાન્ય થઈ ગયું હતું. જેના કારણે, અમે વધુ દર્દીઓના મૃત્યુને અટકાવી શક્યા હતા. દર્દીઓની દેખરેખ માટે લગભગ 30 તબીબોને તાત્કાલિક આઈસીયુ મોકલવામાં આવ્યા હતા.

જીલ્લા અધિકારીએ જણાવ્યું છે કે, હોસ્પિટલમાં ઓક્સીજનની કોઈ ઉણપ નહોતી અને પૂરતા પ્રમાણમાં પુરવઠો રહેલો છે. મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી અને નિર્દેશ આપ્યો હતો કે, ઘટનાની વિસ્તૃત તપાસ કરવામાં આવે. જગને અધિકારીઓને આ પ્રકારની ઘટનાઓ ફરી ન થાય તે માટે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

Scroll to Top