સુરતના 18 વર્ષીય પટેલ યુવક બ્રેનડેડ થતા હ્રદયનું દિલ્હી કરાયું ટ્રાન્સપ્લાન્ટ, યુવકના અંગદાનથી 6ને મળ્યું નવજીવન

સુરતઃ સુરત શહેરમાંથી 19માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા 18 વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી 6 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરીના અંદોનું દાન કરી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. જ્યારે યુવકના હ્રદયને નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હ્રદયને સુરતથી નવી દિલ્હીનું 1158 કિમીનું અંતર 177 મિનિટમાં કાપી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

ડમ્પરે ટક્કર મારતા બાઈક પરથી પડકાયેલા યુવકને બ્રેનડેડ જાહેર કર્યો

ઉધના વિસ્તારમાં આવેલા ઓમશ્રી સાંઈ જલારામ નગરમાં મૂળ અમદાવાદ જિલ્લાનો મિહિર ભારતભાઈ પટેલ(ઉ.વ.18) પરિવાર સાથે રહેતો હતો. અને મોરાભાગળ હજીરા રોડ ઉપર આવેલા આઈટીઆઈમાં ડિઝલ મિકેનીકલના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગત 10 સપ્ટેમ્બરના રોજ મિહિર સાંજે 4.30 કલાકે પરીક્ષા આપીને કોલેજથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હજીરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર લાગતા મિહિર બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો.

માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું . અને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અંગોના દાન થકી અમારો દીકરો બીજા પાંચ-છ વ્યક્તિઓમાં જીવીત રહેશેઃ પરિવાર

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મિહિરના પરિવારના સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. મિહિરના પિતા ભરતભાઈ અને માતા કોકિલાબેને જણાવ્યું હતું કે, ઓર્ગન નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે ખુબ સારી રીતે સમજીએ છીએ. તેમણે જણાવ્યું કે, મારા નાના ભાઈ અશ્વિનની કિડની 1999માં ખરાબ થઇ ગઈ હતી અને તે ડાયાલીસીસ પર હતો. મારા પિતા જીવાભાઇએ તેમની એક કિડની મારા ભાઈને આપી હતી. મારા ભાઈને નવેમ્બર 2011માં લીવરનું કેન્સર થવાથી તેનું મૃત્યુ થયું હતું.

આજે જ્યારે અમારો દીકરો બ્રેનડેડ થયો છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવા માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે આજે અમે અમારો દીકરો ગુમાવ્યો છે. પરંતુ તેના અંગોના દાન થકી અમારો દીકરો બીજા પાંચ-છ વ્યક્તિઓમાં જીવીત રહેશે.

હ્રદય દિલ્હી, કિડની-લિવર અમદાવાદ મોકલાયું

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. જ્યારે હ્રદયના દાન માટે ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈપણ દર્દીના હોવાને કારણે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓર્થોરાઈઝેશન કમિટીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ ROTTO મુંબઈનો સંપર્ક કર્યો હતો. ROTTO મુંબઈ દ્વારા જુદા જુદા રાજ્યોનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ત્યાં કોઈ દર્દી ન હોવાને કારણે દિલ્હીમાં NOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હ્રદય નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. જ્યારે ચક્ષુઓનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

છેલ્લા અઢી વર્ષમાં સુરતમાંથી 19માં હ્રદયનું દાન

સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલથી નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સુધીનું 1158 કિમીનું અંતર 177 મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવ્યું હતું. હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ નોઇડા ઉત્તરપ્રદેશના રહેવાસી ગોવિંદ મહેરા (ઉ.વ. 32)માં કરવામાં આવ્યું છે.

ગોવિંદ મહેરાને વર્ષ 2012માં હ્રદયનો વાલ્વ બદલવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તેના હ્રદયની પમ્પીગ ક્ષમતા ઘટીને 15 કટા થઇ ગઈ હતી. છેલ્લા અઢી વર્ષમાં સુરતમાંથી હ્રદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની આ ઓગણીસમી ઘટના છે. જેમાંથી તેર હ્રદય મુંબઈ, ત્રણ હ્રદય અમદાવાદ, એક હ્રદય ચેન્નાઈ, એક હ્રદય ઇન્દોર અને એક હ્રદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે.

હ્રદય ડોનેશનની પ્રક્રિયાનો ઘટના ક્રમ

મળસ્કે 04-15 કલાકે બ્રેનડેડ મિહિર ભરતભાઈ પટેલને ડોકટરો દ્વારા ઓપરેશન થીયેટર માં શીફટ કરવામાં આવ્યા.

સવારે 07-30 કલાકે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના ડૉ. મિલિન્દ હોટે એ હ્રદયનું દાન સ્વીકારી સનસાઇન ગ્લોબલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવા રવાના થયા.

સવારે 07-37 કલાકે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમ સુરત એરપોર્ટ પહોચી.

સવારે 08-05 કલાકે સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ ના વિમાનમાં નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમ હ્રદય લઇ નવી દિલ્હી જવા રવાના થયા.

સવારે 09-56 કલાકે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમ નવી દિલ્હી એરપોર્ટ પહોચી.

સવારે 10.01 કલાકે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમ નવી દિલ્હી એરપોર્ટથી હોસ્પિટલ જવા રવાના થઈ.

સવારે 10.20 કલાકે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમ ઓપરેશન થિએટરમાં દાખલ થઈ અને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here