AhmedabadGujaratNews

પિતરાઈ ભાઈના દુષ્કર્મનો ભોગ બનેલી અમદાવાદની 14 વર્ષીય સગીરાએ પોરબંદરની ચોપાટી પર પુત્રને જન્મ આપ્યો

પોરબંદર: પોરબંદરની ચોપાટીના મેદાન પર ગઇકાલે શનિવારે સવારે દિનદહાડે પોતાના પિતરાઈ ભાઈની હવસનો શિકાર બનેલી અમદાવાદની 14 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપતા આ ઘટનાને લઈને બહેન સાથે દુષ્કૃત્ય કરનાર પિતરાઈ ભાઈ પર ચોતરફ ફીટકાર વરસી રહ્યો છે.

મા વિનાની સગીરપુત્રી પર સગા ભત્રીજાએ 1 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું

અમદાવાદમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા દેવજીભાઈ (નામ બદલ્યું છે) નામના પિતાની 2 પુત્રી પૈકીની 13 વર્ષીય નાની પુત્રી કમલા (નામ બદલ્યું છે) સાથે જામનગર જિલ્લાના શીતલા કાલાવડ ગામના કમલાના પિતરાઈ ભાઈ રમેશ (નામ બદલ્યું છે) ઉ. વર્ષ 29 ની નજર બગડી હતી અને આ શખ્સે હવસમાં અંધ થઈ અત્યંત ઘ્રુણાસ્પદ કૃત્ય આચરવાનો મનસુબો બનાવી લીધો હતો.

આ મનસુબા સબબ રમેશ 1 વર્ષ પહેલા અમદાવાદ પોતાના કાકા દેવજીભાઈના ઘરે પહોંચી ગયો હતો. દેવજીભાઈના ઘરે રોકાયેલા રમેશે ભોજન કરી લીધા બાદ આરામ કરતો હતો ત્યારે દેવજીભાઈને રમેશના મનસુબાની અણસાર આવી જતા તેણે રમેશ સાથે મારામારી કરી હતી. બાદમાં રાત્રીના સહુ પરિવારજનો સુઈ ગયા બાદ વહેલી સવારે 5 વાગ્યે રમેશ પોતાની 13 વર્ષીય સગીર પિતરાઈ બહેન કમલાને પોતાની હવસનો શિકાર બનાવવા લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો.

પિતાએ આ અંગે અમદાવાદમાં પોલીસ ફરિયાદ કરી હતી

આ ઘટનાની જાણ સગીર કમલાના પિતા દેવજીભાઈને થતા તેમણે જે-તે વખતે આ અંગે અમદાવાદમાં પોલીસ ફરિયાદ કરી હતી. પરંતુ પોતાની સગીર પુત્રી કમલા અને પોતાનો ભત્રીજો હાથ ન લાગતા આ પરિવાર બદનામીના બીકે અમદાવાદ છોડી મોરબી રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાનમાં આ ઘટનાના 1 વર્ષ બાદ ગત અઠવાડીયે રમેશ અને કમલા ગાંધીધામમાં હોવાની દેવજીભાઈને જાણ થતા તેમણે આ બન્નેને પકડી પાડ્યા હતા અને પોતાની સગીર પુત્રીને ઘરે લાવ્યા હતા.

એક વર્ષ બાદ પોતાની 14 વર્ષીય પુત્રીને મળેલા પિતાને ભત્રીજા સામે રોષ હતો. પુત્રી મળ્યાનો આનંદ હતો અને સૌથી વધુ પોતાની 14 વર્ષીય પુત્રી પોતાના જ ભત્રીજાની હવસનો શિકાર બની ગર્ભવતી બની ગઈ હોવાની વાતનું પહાડ જેવડું દુ:ખ થયું હતું.

બાળકને જન્મ આપતા ગભરાયેલા પિતાએ 108 ને જાણ કરી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી

આ દુ:ખમાંથી દેવજીભાઈ ઉગરે તે પહેલા અને પોતાના ભત્રીજા સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરે તે પહેલા 1 અઠવાડીયા બાદ ગઈકાલે દેવજીભાઈ તેની ભોગ બનનાર પુત્રી કમલા તથા અન્ય એક પુત્રી સાથે જામનગરથી માધવપુર જવાનું હોવાથી 20 તારીખની રાત્રે પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડ પર પથારો પાથરી રાત વિસામો કરવા રોકાયા હતા.

તે દરમિયાન 21 તારીખે વહેલી સવારે 7 વાગ્યે તેની પુત્રી કમલાને એકાએક પીડા ઉપડી હતી અને દેવજીભાઈ કાંઈ સમજે અને કોઈની મદદ મેળવે તે પહેલા 14 વર્ષીય સગીર પુત્રી કમલાએ પુત્રને જન્મ આપી દીધો હતો. નાની એવી કમલા કે જે ખુદ એક બાળક હોય અને તેની સાથે આવી અઘટીત ઘટના બન્યા બાદ તેણે બાળકને જન્મ આપતા ગભરાયેલા પિતાએ 108 ને જાણ કરી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ અંગે પોરબંદર પોલીસને જાણ કરાતા તેમણે આ અંગે કાગળો કરી અમદાવાદ પોલીસને રવાના કરી દીધા હતા.

પુત્રીને શોધવા માટે પિતાએ ગુજરાતભરમાં શોધખોળ કરી હતી.

પોરબંદરમાં બાળકને જન્મ આપનાર કમલાને પોતાનો પિતરાઈ બદકામ કરવાના ઈરાદે ઉપાડી ગયા બાદ કમલાના પિતાએ અમદાવાદ પોલીસમાં 1 વર્ષ અગાઉ ફરિયાદ કરી હતી. પરંતુ તેમ છતાં કમલાનો પત્તો ન મળતા દેવજીભાઈએ મોરબી, રાજકોટ, ગાંધીધામ, જૂનાગઢ, કાલાવડ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમ છતાં દેવજીભાઈને પોતાની પુત્રીનો પત્તો લાગ્યો ન હતો અને છેવટે પોતાની પુત્રી ગાંધીધામમાં હોવાની જાણ થતા તેમણે રાજકોટના સદર પાસેના પોલીસ સ્ટેશનમાં મદદ માંગી હતી અને પોલીસે મદદના બદલામાં તેની પાસેથી રૂપીયા 2 લાખની લાંચ માંગી હોવાનો દેવજીભાઈએ આક્ષેપ કર્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker