તમારા ઘરમાં કોઈ પ્રસંગ હોય અને 100-150 લોકો ભેગા થવાના હોય તો તમને અઠવાડિયા પહેલાથી ટેન્શન થઈ જતું હશે. આટલા બધા લોકોને ક્યાં બેસાડવા, શું જમાડવું વગેરે વગેરે. પરંતુ એક પરિવાર એવો છે જ્યાં દરરોજ જ આટલા બધા લોકોનું જમવાનું બને છે.
મિઝોરમમાં દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે, જેમાં 181 સભ્યો 100 રુમના મકાનમાં એક સાથે રહે છે. મોંઘવારીના આ સમયમાં જ્યારે ચાર-પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું એક પડકાર સમાન છે, ત્યાં ઝિઓના ચાના પોતાની 39 પત્નીઓ, 94 બાળકો, 14 વહુઓ અને 33 પૌત્ર-પૌત્રીઓ તેમજ એક નાનકડા પ્રપૌત્ર સાથે પ્રેમથી રહે છે.
પોતાના દીકરાઓ સાથે સુથારી કામ કરનારા ઝિયોના ચાનાનો પરિવાર મિઝોરમમાં સુંદર વાદીઓ વચ્ચે બટવંગ ગામમાં એક મોટા મકાનમાં રહે છે. ઘરમાં કુલ 100 રુમ છે. તે દુનિયાના સૌથી મોટા પરિવારના મુખ્ય સભ્ય હોવાથી ગૌરવ અનુભવે છે. સામાન્ય પરિવારને આખા મહિનામાં જેટલી સામગ્રી જોઈએ તેટલી ઝિઓનાના પરિવારમાં એક દિવસમાં વપરાય છે.ઝિઓનાના ઘરમાં એક દિવસમાં 40 કિલો ચોખા, 40 ચિકન, 24 કિલો દાળ, 50 કિલો શાકભાજી એક દિવસમાં વપરાય છે. જો પરિવારને બીફ ખાવાનું મન થાય તો એક દિવસમાં 10 મોટા પ્રાણી જોઈએ. ડાઈનિંગ હોલમાં 50 ટેબલ મુકવામાં આવ્યા છે. ઝિયોનાની પત્નીઓ જમવાનુ રાંધે છે અને દીકરીઓ ઘરનાં કામ જુએ છે.
39 પત્નીઓને એકસાથે રાખનાર ઝિયોના ખરેખર અનોખા વ્યક્તિ છે. તે ડાઈનિંગ ટેબલ પર પોતાની સૌથી યુવા પત્ની સાથે બેસે છે. પહેલાની પત્નીઓ તેમનાથી દૂર બેસે છે. તે પોતે જ યુવા પત્નીઓને જગ્યા આપે છે. તેમની સૌથી યુવા પત્ની 33 વર્ષીય સિમથાંગી છે, જેની સાથે 2000માં લગ્ન થયા હતા. તેમની પત્નીઓ 100 રુમના બનેલી 5 ડૉર્મેટ્રીમાં સુવે છે. ઝિયોના પાસે કિંગ સાઈઝ ડબલ બેડ રુમ છે, જેમાં તે દરરોજ એક પત્ની પસંદ કરીને તેની સાથે સુએ છે.