ડિફેન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન તરફથી તૈયાર કરવામાં આવેલી દવા 2-DG કોરોના વાયરસની વિરુદ્ધ ઘણી જ પ્રભાવશાળી છે. તાજેતરમાં જ સામે આવેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો થયો છે. ગત 1 જૂનના DRDOએ કહ્યું હતુ કે, 2-DG દવાનો હૉસ્પિટલમાં ભર્તી દર્દીઓમાં સહાયક ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. નવી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે DRDOની દવા 2-DG કોવિડ-19ના તમામ વેરિયન્ટની વિરુદ્ધ અસરકારક છે અને આ વાયરસને વધતો અટકાવે છે.
DRDO દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે દવા 2-DG તૈયાર કરવામાં આવી છે, જેને થોડા સમય પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે લૉન્ચ કરી હતી. ત્યારે તાજેતરમાં જાહેર કરવામાં આવેલા એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાની આ દવા કોરોના વાયરસના તમામ વેરિયન્ટ વિરૂદ્ધ અસરકારક છે. આ દવા શરીરમાં વાયરસને વધતો અટકાવે છે.
DRDOની આ દવા સેલને સંક્રમણથી પ્રેરિત સાઇટોપેથિક ઇફેક્ટ દૂર કરી દે છે. 2-DGને 17 મેના કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ડૉ. હર્ષવર્ધને લૉન્ચ કરી હતી. લૉન્ચિંગ દરમિયાન કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે આ દવામાં દર્દીઓના સ્વસ્થ થવાના સમયને ઓછો કરવાની અને ઑક્સિજનની માંગને 40 ટકા સુધી ઓછી કરવાની ક્ષમતા છે.
દવાનું નામ 2 ડીઓક્સી-ડી-ગ્લુકોઝ છે જેને ટૂંકમાં 2-DG કહેવાય છે. રિપોર્ટ પ્રમાણે આ દવાને કારણે કોરોનાના દર્દીને ઓક્સિજન આપવાની જરૂરિયાત ઘટે છે. આ દવા ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન એટલે કે DRDOની ઔષધિ અને સંબદ્ધ વિજ્ઞાન સંસ્થા INMASએ હૈદરાબાદ સ્થિત ડૉ. રેડ્ડીઝ લૅબ સાથે મળીને તૈયાર કરી છે. આ દવાને ત્રણ તબક્કાની ટ્રાયલ બાદ મંજૂરી આપવામાં આવી હતી.
જે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી તેમાં સામે આવ્યું હતું કે આ દવાને કારણે કોરોના વાઇરસના દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો આવ્યો અને દવા લીધા બાદ તેમને ઓક્સિજન આપવાની જરૂરિયાત રહેતી નથી. આ પરીક્ષણ INMAS-DRDO અનેસીસીએમબી (સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલ્યુકુલર બાયૉલૉજી)ના વૈજ્ઞાનિકોએ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રથમ પરીક્ષણમાં સારા પરિણામ બાદ મે 2020માં બીજી ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી હતી.