ArticleGujaratNews

મોરબી જળ હોનારતની આજે 39મી વરસી: માનવ ભૂલ કે કુદરતી આપદા? જુઓ હોનારતની તસવીરો

મોરબી: ઓધોગિક નગરી મોરબી આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પણ ભૂતકાળમાં કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં બન્ને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને 11 ઓગસ્ટ 1979ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોજારા દિવસે જીવન રૂપી જળે મોરબી વાસીઓનાં જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે. કલાકોમાં નામોનિશાન મિટાવી દેનાર આ હોનારતની આજે 39મી વરસી છે.

11 ઓગસ્ટના મોરબી અમુક કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના 39 વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે.

11 ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે અમુક કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-2 ડેમમાં નવાગામ તરફના માટીના પાર તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉચા પાણીના મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા.

હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા

આ ઘટનામાં હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા હતા. મોરબીમાંએ પુરના પાણી કલાકોમા ઓસરી ગયા પણ હૃદયનાએ ઘા હજુ પણ એમને એમ છે. એ કાળે કોઈના માતા-પિતા તો કોઈના સંતાન, કોઈના ભાઈ બહેન તો કોઈના સ્વજનને છીનવી લીધા. કેટલાય એવા પરિવાર હતા જેના તમામ સભ્ય આ આપદાએ છીનવી લીધા છે. આ લોકોની પીડા પર હજુ કોઈ મલમ લગાવી શક્યા નથી.

11 ઓગસ્ટે શું બન્યું હતું

10 `ઓગસ્ટની રાત્રીના મોરબીમાં ૨૫ ઈચ વરસાદ ખાબક્યો હતો તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા.

પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં 6158 મકાન, 1800 ઝુપડા સાવ નાશ પામ્યા તો 3900 જેટલા મકાનને નુક્શાન થયું હતુ. સરકારી આંકડા મુજબ 1439 માનવ અને 12,849 પશુઓના જીવ ગયા હતા.

મૂળ ગુજરાતી યુવાનોએ હોનારતનાં કારણ રજૂ કર્યા

મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતુ જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં ત્યારે આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર  ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનૉ અભ્યાસ કર્યો,અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યાં છે.

સૌથી મોટુ કારણ ડેમની ડિઝાઇન અનેં સ્થળમા ભૂલો

જેમા સૌથી મોટુ કારણ ડેમની ડિઝાઇન અનેં સ્થળમા ભૂલો સામે આવી છે. લેખકના મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાના ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

કેન્દ્ર સરકારે સુંચવેલ પગલાંને અવગણી તેમજ ડેમમાં મહત્તમ પાણી આવે તૌ તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પધ્ધતિ પણ જૂની હતી.  અને આ જ કારણે બનાવવામાં આવેલ આ ડેમ ખરેખર મોરબી માટે અભિશાપ બન્યો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધું લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મોરબીના કુંભાર શેરીમાં રહેતાં પ્રભુભાઈ એમ નગવાડિયાએ જણાવ્યું હતુ કે મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડતા પાડા પુલ પરથી પાણી જતું હોવાથી તેમનો પુત્ર ધર્મેન્દ્ર તેનાં મિત્રો સાથે નદીમાં પાણી જોવા ગયા હતાં. અચાનક પાણી વધી જતા પાછા આવ્યાં હતાં. જોકે ધર્મેન્દ્ર પરત ન ફરી શકતા દુકાનનાં પાટિયા પર ઉભો રહી ગયો હતો, પણ પાણી ત્યાં પણ ચઢી ગયું હતુ. પોતાના હાથ ઉંચા કરતા કરતા બચાવવા કરગરતો હતો પણ પાણી એટલું હતુ કે તેને બચાવી ન શકાયો. મોટા ભાઈ પણ તેને બચાવવા દોડ્યા પણ અમારી નજર સામે ધર્મેન્દ્ર ડૂબી ગયો અને બીજા દીવસે તેનો મૃતદેહ મળ્યો હતો

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker