અમદાવાદ- ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે, ત્યારે ટ્રાફિક પોલીસ માટે ઈ-મેમો ઈશ્યુ કરવાની સિસ્ટમ ભારે સાબિત થઈ રહી છે. પાછલા પાંચ મહિનામાં ઈશ્યુ કરવામાં આવેલા 1.45 લાખ ઈ-મેમોમાંથી, 1.15 લાખ એટલે કે 79% લોકોએ દંડ નથી ભર્યો.
ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક સીનિયર ઓફિસરે જણાવ્યું કે, અત્યારે માત્ર સિગ્નલ પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો માટે જ ઈ-મેમો ફાડવામાં આવી રહ્યો છે, પરંતુ ટુંક સમયમાં ટ્રાફિકના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બાબતે પણ ઈ-મેમો આપવામાં આવશે. ઈ-મેમો નહીં ભરનારા લોકોની સંખ્યામાં વધારો થતા અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંહે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને લેટર લખીને ઈ-મેમોની સિસ્ટમમાં સુધારો કરવાની સલાહ આપી છે.
ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સૂત્રો અનુસાર, દરરોજ ઈશ્યુ કરવામાં ઈ-મેમોની સંખ્યાથી 5,000થી વધારીને 10,000 સુધીની કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા 2014માં ઈ-મેમોની શરુઆત કરવામાં આવી હતી, પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલા તેને બંધ કરી દેવામાં આવ્યા હતા.
ટ્રાફિક ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, એપ્રિલ 2018માં આ સિસ્ટમ ફરીથી શરુ કરવામાં આવી છે. શહેરના 41 જંક્શન પર 15 કેમેરા મુકવામાં આવ્યા છે અને અત્યાર સુધી 1.45 લાખ ઈ-મેમો ફાડવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે હજી સુધી 1.15 લાખ ઈ-મેમો ભરવામાં નથી આવ્યા.
ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ઈ-મેમોના ઓનલાઈન પેમેન્ટ માટે અત્યારે અમારી પાસે માત્ર 2 જ ગેટ-વે છે, GIPL અને SBI. ત્રીજો વિકલ્પ એ છે કે જે તે વ્યક્તિ નજીકના પોલીસ સ્ટેશન, ટ્રાફિક ઓફિસ અથવા શાહીબાગમાં આવેલી કમિશનરની ઓફિસના કંટ્રોલ રુમમાં જઈને દંડની રકમ ચુકવી આવે. લોકો દંડની રકમ સમયસર ભરે તેના માટે કાયદાને વધુ કડક બનાવવાની અને લોકોમાં અવેરનેસ લાવવાની જરુર છે.