અમદાવાદઃ હાર્દિકના ઉપવાસનો આજે 9મો દિવસ છે. શનિવારે હાર્દિકે પાણી લેવાનું શરું કર્યું છે. બિહારના મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ તેઓ મુલાકાત લેવાના છે. પાસ દ્વારા નેતાઓનો ઘેરાવો, મહિલાઓ દ્વારા થાળી અને વેલણ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી શકે છે. શનિવારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંતે હાર્દિકને જળ ગ્રહણ કરાવ્યું હતું.
પાટીદારોને અનામત, ખેડૂતોનું દેવું માફ કરવા જેવા મુદ્દે ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે ઉપવાસના આઠમા દિવસે એટલે કે શનિવારે ગઢડા મંદિરના એસપી સ્વામીએ જળ ગ્રહણ કરાવ્યું હતું. હાર્દિકે ઉપવાસ પર બેઠા પછી જળનો ત્યાગ કર્યો હતો જેના કારણે તેના શરીર પર વિપરિત અસર થઈ રહી હતી. આ લડાઈ લાંબી ચાલશે તે માટે સમર્થકો અને પાસ નેતાઓએ હાર્દિકને મનાવ્યો જે બાદ સ્વામીએ જળ ગ્રહણ કરાવડાવ્યું.
ઉપવાસ પછીથી ડોક્ટરો દ્વારા હાર્દિકના સ્વાસ્થ્યની સમયાંતરે તપાસ કરવામાં આવે છે જેમાં ડૉક્ટર્સ દ્વારા હાર્દિકને પ્રવાહી ખોરાક લેવાની સલાહ ઉપરાંત દાખલ થવા માટે પણ કહેવામાં આવ્યું છે. ખોરાક ના લેવાના કારણે હાર્દિકના શરીરમાં સુગર લેવલ ઘણું નીચું ગયું છે, આ સાથે કિડનીમાં ઈન્ફેક્શન થવાની પણ ડૉક્ટર્સ દ્વારા હાર્દિકને ચેતવણી આપવામાં આવી છે. સરકારી અને ખાનગી લેબમાં હાર્દિકના બ્લડ સેમ્પલના રિપોર્ટ અલગ-અલગ આવ્યા પછી હવે હાર્દિકે સરકારી ડૉક્ટરોને સેમ્પલ આપવાનનો ઈનકાર કરી દીધો છે.
એક તરફ સરકાર દ્વારા હાર્દિકની માંગોને લઈને કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી રહી ત્યારે હાર્દિક પણ પોતાના ઉપવાસ ચાલુ રાખવા માટે મક્કમ છે. ડૉક્ટરની સલાહને માનવાનો હાર્દિકે ઈનકાર કરી દીધો છે. હાર્દિકની માંગ અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટ પણ મધ્યસ્થી બનાવા માટે તૈયાર હોવાની વાત સામે આવી રહી છે.
હાર્દિકના ઉપવાસનો નવમો દિવસ છે ત્યારે હાર્દિકને પોલીસ ગમે ત્યારે ઉઠાવીને જબરજસ્તી હોસ્પિટલમાં દાખલ કરી શકે છે, જોકે, હોસ્પિટલમાં પણ હાર્દિક પોતે ઉપવાસ ચાલું રાખશે તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.