પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2014ના લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા નંખવાના વચન સંબંધીત સવાલ પર પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાનો જવાબ આપતા કહ્યું કે આ આરટીઆઈ અંતર્ગત ન આવે. આરટીઆઈ અંતર્ગત જાણકારી માગવામાં આવી હતી કે 15 લાખ રૂપિયા ક્યારે ખાતામાં આવશે.
પીએમઓએ કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઈસી)ને જાણકારી આપતા જણાવ્યું કે, આરટીઆઈ એક્ટ અંતર્ગત એવી કોઈ સૂચના નથી, માટે આ મામલે જાણકારી અથવા જવાબ ન આપી શકાય.
અરજીકર્તા મોહન કુમારે નોટબંધીનાં અઢાર દિવસ બાદ પીએમઓ પાસે આ જાણકારી માગી હતી. જેમાં સવાલ કરાયો હતો કે, દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા ક્યારે આવશે? જેનો જવાબ ન આવતા આ સમગ્ર કેસ કેન્દ્રીય સૂચના આયોગ સુધી પહોંચ્યો હતો.
ચીફ ઇન્ફોર્મેશન કમિશનર આર. કે. માથુરે જણાવ્યું હતું કે, પીએમઓ તરફથી અને આરબીઆઇ તરફથી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પીએમઓએ જણાવ્યું કે, ૧૫ લાખ રૂપિયા જમા કરાવવા માટે તારીખ શું હશે અને નોટબંધી લાગુ થવાની જાણકારી પ્રિન્ટ મીડિયા સુધી કેવી રીતે પહોંચી? આ બંને વિશેની જાણકારી આરટીઆઇ એક્ટના દાયરામાં આવતી નથી.
આરટીઆઇ એક્ટ ૨ એફ એક્ટ અંતર્ગત સૂચનાનો અર્થ એવા રેકોર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, વિચાર, સલાહ, પ્રેસ વિજ્ઞાપન, સર્ક્યુલર, લોગબુક, અનુબંધ, મોડલ્સ અને ડેટા કે જેનો સરકારી અધિકારીઓ ઉપયોગ કરે છે.
તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ અમિત શાહે કહ્યું હતું કે, દરેક પરિવારમાં ૧૫ લાખ રૂપિયાની વડા પ્રધાન મોદીની જાહેરાત એક જુમલો હતો. ભાષણમાં ભાર મૂકવા માટે તેમણે મોદીની આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન એક રેલીમાં નરેન્દ્ર મોદીએ દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થવાની વાત કરી હતી.