ભારતીય રિઝર્વ બેંકે 100 રૂપિયાની નવી નોટ લાવવાનો નિર્ણય કર્યો છે. આ નોટ પર ગુજરાતનાં પાટણમાં સરસ્વતી નદી કિનારે આવેલી ‘રાણીની વાવ’નું ચિત્ર છે, પરંતુ બેંકને નવી નોટ છાપવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડશે અને આ પહેલા પણ સરકારને નવી નોટ છાપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થઇ ચુક્યો છે. આ નોટની સાઇઝ 66 એમએમ બાય 142 એમએમ હશે. જેના માટે ATM પણ અલગથી રીકેલિબ્રેટ કરવા પડશે. ATM ઑપરેશન ઇન્ડસ્ટ્રી પ્રમાણે નવી નોટોનાં કારણે દેશનાં 2.4 લાખ મશીનો રીકેલિબ્રેટ કરવા પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
મહત્વની વાત એ છે કે 100ની નોટ ઉપર વધારે ખર્ચો થશે, કેમ કે આની સાઇઝ પહેલાની નોટો કરતા અલગ છે અને તેના માટે અલગ વ્યવસ્થા કરવી પડશે. તો આની પર થનાર પ્રિન્ટિંગ ખર્ચ અલગ છે. તાજેતરમાં જ 200 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી જેના માટે પણ ATM રીકેલિબ્રેટ કરવામાં આવ્યા હતા અને આ કામ હજુ સુધી પૂર્ણ થયું નથી ત્યાં નવી નોટ આવી ગઇ છે.
સરકારે નોટબંધી બાદ 4 નવી નોટ બહાર પાડી છે. જેમાં 10, 50, 500 અને 2000 રૂપિયાની નોટ સામેલ છે. રિઝર્વ બેંકે નવી નોટો પર જૂન 2016થી જૂન 2017 વચ્ચે 7967 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જે 2015ની સરખામણીમાં બમણું છે. ઉલ્લેખનીય છે કે નવી નોટો બનાવવા પાછળ 2015-16માં 3420 રૂપિયા ખર્ચ થયા હતા.
જાન્યુઆરી 2018 સુધી RBI 200 રૂપિયાની નોટો છાપવા પાછળ 522 કરોડ, 2000ની નોટ પાછળ 1293 કરોડ, 500 રૂપિયાની નોટ છાપવા પાછળ 4968 કરોડ રૂપિયા ખર્ચી ચુકી છે. આ સિવાય ATM પર તેની વ્યવસ્થા કરવા પાછળ અલગથી ખર્ચ થયો છે.