જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસમાં થયું સેટીંગ: પીડિતાએ હાઈકોર્ટમાં ફરીયાદ રદ્દ કરવા કર્યું સોગંદનામું,

બીજેપીના ભૂતપૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળી પર નોંધાયેલી કથિત બળાત્કારની ફરિયાદ મામલે પીડિતા આજે હાઈકોર્ટમાં હાજર થઈ હતી. આ કેસમાં પીડિતાએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. માત્ર એટલું જ નહીં, સોગંદનામાં ફરિયાદ આગળ ન લઈ જવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

હાઈકોર્ટમાં સુરતમાં થયેલી બળાત્કારની ફરિયાદ રદ કરવા મુદ્દે થયેલી સુનાવણીમાં સમાધાનના આધાર પર ફરિયાદ રદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. પીડિતાનું સોગંદનામું કોર્ટના રેકોર્ડ પર મુકવામાં આવ્યું હતું. પીડિતાની હાજરીની પણ કોર્ટે નોંધ લીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારના કિસ્સોઓમાં વેરિફિકેશન જરૂરી છે.

ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથીઃ પીડિતા

પીડિતાએ સોગંદનામું કરીને કહ્યું છે કે, ભાનુશાળી સામેની ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. તેની ઉંમર ઓછી હોય ભવિષ્યમાં અસર થાય તેમ હોય આ ફરિયાદ પાછી ખેંચવા અરજી કરી છે. કોર્ટે પીડિતાને પૂછ્યું કે, સોગંદનામું તમે તમારી મરજીથી કર્યું છે? વિચારીને કહેજો, એવું પૂછવામાં આવતા પીડિતાએ કહ્યું કે, હા, મારી મરજી અને રાજીખુશીથી સોગંદનામું કર્યું છે.

ત્યાર બાદ કોર્ટે કહ્યું હતું કે, પોલીસને વેરિફિકેશન કરવા દો. સાત ઓગસ્ટ સુધીમાં પોલીસ વેરિફિકેશન કરે કે પીડિતા પર કોઈનું દબાણ તો નથીને. હવે આ અરજી પર સાતમી ઓગસ્ટે ફરીથી સુનાવણી થશે. ત્યારે હવે ભાનુશાળી સામેની ફરિયાદ રદ થાય તેવી પૂરી શક્યતા છે.

જયંતિ પર ગાંધીનગર બોલાવી દુષ્કર્મ કરવાનો મુક્યો હતો આરોપ

ગત જુલાઈ માસમાં કાપોદ્રામાં રહેતી 21 વર્ષની યુવતીએ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી પર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ અમદાવાદની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને યુવતીને ગાંધીનગર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

વીડિયો દ્વારા બ્લેકમેલ કરી વારંવાર શરીર સંબંધ બાંધવાનો કર્યો હતો આક્ષેપ
કોપાદ્રામાં યોગીચોક વિસ્તારમાં રહેતી 21 વર્ષીય રીના( નામ બદલ્યું છે)એ 10 જુલાઈના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં જયંતી પરષોત્તમ ભાનુશાળી વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીમાં તેણીએ જયંતી પર રસ્તામાં કાર થોભાવીને દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ મુક્યો હતો. આ દરમિયાન તેમની સાથેના એક શખ્સે વીડિયો ઉતારી લીધો હતો. તે વીડિયોના આધારે તે રીનાને બ્લેકમેલ કરીને વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. આરોપ લાગ્યા બાદ ભાનુશાળીએ બીજેપીના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

અગાઉ પણ નલિયાકાંડ વખતે છબીલદાસ પટેલ અને જયંતી ભાનુશાળીની આંતરિક રાજ રમત હોવાનું ભાજપના ટોચના નેતાઓ પણ માની રહ્યા હતા. જ્યારે હાલમાં બે પીડિતાઓ દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી સામે આક્ષેપો થઇ રહ્યા છે. જયંતી ભાનુશાળીની તરફેણ કરનારા તેમના પરિવારજનો અને તેમના સમર્થકોમાં આ મામલે છબીલદાસ પટેલ દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કચ્છમાં અગાઉ જયંતીભાઇ ભાનુશાલી નેતાગીરી ચાલતી હતી પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છબીલદાસ પટેલ સાથે જેનું બરોબર ન જામતા બંને વચ્ચે ખરાખરીનો રાજકીય જંગ ચાલતો હતો તે સમયે નલિયા કાંડ બાર આવ્યો હતો તે પછી હાલમાં એક પીડિતા દ્વારા જયંતી ભાનુશાળી સામે બળાત્કારના આક્ષેપો સાથેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top