સરકારે રેશનિંગની દુકાનોમાં રાહત દરે મળતો સામાન ખરીદવા માટે ઓનલાઈન વેરિફિકેશન સિસ્ટમ ફરજિયાત બનાવી દીધી છે. જોકે, આ સિસ્ટમ લાગુ કરતા પહેલા કદાચ એ એવું કોઈ અધિકારીએ નહીં વિચાર્યું હોય કે જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી કે પછી મોબાઈલ નેટવર્ક જ નથી, ત્યાં આ સિસ્ટમ કઈ રીતે કામ કરશે? કંઈક આવું જ થઈ રહ્યું છે વલસાડના કપરડા તાલુકામાં.
કંઈક આવું જ થઈ રહ્યું છે વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં. જ્યાં ગાઢ જંગલો વચ્ચે આવેલા દસ ગામોના લોકોને રેશનિંગનો સામાન ખરીદવાની કુપન ઈશ્યૂ કરવા દુકાનદારોએ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને ફિગર પ્રિન્ટ સ્કેનર સાથે લઈને ગાઢ જંગલોમાં નેટવર્ક મળે તેવી જગ્યા શોધવા રઝળપાટ કરવો પડે છે. આ દુકાનદારો ગામના લોકોને સાથે લઈ આ બધા સામાન સાથે ટેકરીઓ પર ચઢે છે, અને નેટવર્ક શોધે છે.
ગાઢ જંગલમાં એકાદ કલાક સુધી રઝળપાટ, કેટલીક ટેકરીઓની ચઢ-ઉતર પછી માંડ તેમને ક્યાંક મોબાઈલ નેટવર્ક મળે છે, અને તે સાથે જ ગામના ગરીબ લોકોનું ઓનલાઈન વેરિફિકેશન થયા પછી કુપન ઈશ્યૂ કરવાનું શરુ થાય છે. આ કુપનો લઈને ગામના લોકોને ફરી એટલું જ ચાલીને દુકાન સુધી જવું પડે છે, અને ત્યાંથી તેઓ રાહત દરે રેશનિંગનો સામાન ખરીદી શકે છે.
વલસાડથી 60 કિલોમીટરના અંતરે આવેલા આ દસેક ગામોની કુલ વસ્તી દસેક હજાર જેટલી છે. કરચોડ ગામમાં એક કંપનીનો ટાવર છે, પણ મોટાભાગે કોઈ ટેકનિકલ સમસ્યા કે પછી લાઈટ ન હોવાના કારણે તે બંધ જ હોવાથી માત્ર શોપીસ જ બની રહે છે. રેશનિંગની દુકાન ચલાવતા કિશન ગોરખાન કહે છે કે, ટેકરીઓ પર ત્રણ-ચાર જગ્યાએ 4G કે 3G નેટવર્ક મળી રહે છે, અને જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં જ ગામ લોકોને બોલાવી લેવાય છે.
કરચોડ ગામના સરપંચ ભીખા વાલાઈનું કહેવું છે કે, ગામના લોકોને ફોન કરવામાં તો સમસ્યા નથી થતી, પરંતુ કુપન લેવા માટે દુકાનદારની સાથે કોઈ ટેકરી પર ચઢવું પડે છે. કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મેડિકલ ઈમરજન્સીમાં તો સ્થિતિ ઘણી ગંભીર બની જાય છે.
પાસે જ આવેલા દહીખેડ ગામની પણ આવી જ હાલત છે. ક્યારેક તો કોઈ મેડિકલ ઈમરજન્સી હોય ત્યારે 108ને ફોન કરવા માટે પણ ટેકરી પર ચઢવું પડે છે. વળી, એમ્બ્યુલન્સ ન આવી જાય ત્યાં સુધી ફોન ચાલુ રાખવો પડે છે, જેથી ઓથેન્ટિફિકેશન થઈ શકે. ગામના સરપંચ ગજુ કરડોડિયા અને તેમના પત્ની આ અંગે અનેક રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું.
આ અંગે કપરડા તાલુકાના સબ-ડિવિજનલ મેજિસ્ટ્રેટ મહેશ પટેલનું કહેવું છે કે, આ અંગે તેમણે બીએસએનએલ સહિતના સર્વિસ પ્રોવાઈડર્સને વાત કરી છે, અને કોઈ સોલ્યુશન કાઢવા તેઓ કામ કરી રહ્યા છે. કોઈ કંપની ટાવર નાખવા ઈચ્છતી હોય તો તેને સરકારી જમીન આપવા પણ તંત્ર તૈયાર છે. બીજી તરફ, મોબાઈલ ટાવર્સ 2Gમાંથી 3G અને 4Gમાં અપગ્રેડ થતા હોવાથી નેટવર્કમાં સમસ્યા આવી રહી છે.