ધારાસભ્યો અને સાંસદોને પોતાના વિસ્તારના પ્રતિનિધિત્વ કરવા માટે લોકો મત આપીને જીતાડે છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા ધારાસભ્ય અને પોતાના ક્ષેત્રના સાંસદો પાસે જતી હોય છે. જોકે, ક્યારેક એવું બને છે કે જે પ્રજાએ પોતાના ધારાસભ્યો અને સાંસદોને મત આપીને ચૂંટ્યા હોય તે પોતાના જ વિસ્તારમાં ક્યારેય ફરતા પણ નથી.
આવી સ્થિતિમાં પ્રજા કોની પાસે પોતાના પ્રશ્નનોની રજૂઆત કરવા જાય એ પણ એક મોટો પ્રશ્ન બની રહે છે. આવી સ્થિતિ વચ્ચે ફિલ્મ અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલ ખોવાયેલા હોવાના પોસ્ટરો લાગેલા છે. સાથે સાથે તેમને મત વિસ્તારમાં લાવનારને ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા પરેશ રાવલ અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકસભાના સાંસદ છે. પરેશ રાવલ પોતાના મત વિસ્તારમાં ક્યારે ન દેખાયા હોવાના આરોપ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાંસદ પરેશ રાવલને મત વિસ્તારમાં લાવનારાને રૂ.21,000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાંસદ પરેશ રાવલ ગુમ થયાના પોસ્ટરો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે, છેલ્લા પાંચ વર્ષથી મત વિસ્તારમાં દેખાયા જ નથી. પરેશ રાવતને પોતાના મત વિસ્તારમાં લાવનારને રૂ. 21,000નું ઇનામ પણ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર યુથ કાંગ્રેસ પ્રમુખ ભુમન ભટ્ટે જણાવ્યું કે અમદાવાદ પૂર્વ લોકસભાના સંસદ પરેશ રાવલ ચૂંટાઈને ગયા પછી પાછા આવ્યા નથી અમદાવાદમાં આવે તો પણ તેમના કામથી અને તેમના નેતાને ખુશ કરવા આવે છે અને પ્રજાના કાર્ય કરવા ક્યારેય તેઓ તેમના વિસ્તારમાં આવ્યા નથી. પ્રજા ચાર વર્ષથી એની રાહ જોઈ રહી છે જેમને જંગી મતો આપીને વિજેતા બનાવ્યા છે.