સરથાણા ઋષિકેશ ટાઉનશીપમાં રહેતા હિરપરા પરિવારનાં 63 સભ્યોએ દેહદાન કરી સમાજને નવી દિશા બતાવતી અનોખી પહેલ કરી છે. ટેક્સટાઈલ અને એજ્યુકેશન સાથે સંકળાયેલા હિરપરા પરિવારમાં તેમના 63 વર્ષના વડીલ કનુભાઈ કરમશીભાઈનું થોડા દિવસો અગાઉ કુદરતી અવસાન થતા તેમનાં દેહનું દાન કર્યું હતું. તેમની ઉત્તરક્રિયા પ્રસંગે વતન અમરેલી, અમદાવાદથી આવેલા પરિવાર 22 મહિલાઓ સહિત 63 સભ્યોએ જીવતા જીવત દેહદાનનો નિર્ણય કરી વડીલને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત પરિવારનાં 63 સભ્યોએ રક્તદાન કરી જાગૃતિ લાવવા આહવાન કર્યું હતું.
સરથાણામાં પરિવારે સદ્દગત વડીલને આપી અનોખી શ્રદ્ધાંજલિ
મૂળ અમરેલીનાં દિતલા ગામનાં વતની અને સુરતમાં સ્થાયી થયેલા હિરપરા પરિવારમાં મૃતક વડીલની ઉત્તરક્રિયા પ્રસંગે પાંચ પેઢીનાં પરિવારનાં 63 સભ્યોએ એકસાથે પોતાના અંગો અને દેહનું દાન કરી સમાજને નવી દિશા બતાવી છે. ઉત્તરક્રિયા પ્રસંગે વતન દિતલા, અમરેલી, અમદાવાદથી આવેલા અને સુરતમાં વસતા હિરપરા પરિવારનાં સભ્યોએ લોકદૃષ્ટિ આઈ બેંકને તેમના મૃત્યુ બાદ દેહ સ્વીકારવા સહમતિ આપી હતી. જેમાં વતન અમરેલીમાં ખેતી સાથે સંકળાયેલા 18 સભ્યો, અમદાવાદમાં ટેક્સટાઈલ સાથે સંકળાયેલા 19 સભ્યો અને સુરતમાં ટેક્સટાઈલ અને એજ્યુકેશન સાથે સંકળાયેેલા 26 સભ્યોએ દેહદાનનો નિર્ણય લીધો હતો.
બજારમાં શરીરનાં અંગોનું ઉત્પાદન કરતી કોઈ ફેક્ટરી નથી
પૈસાથી બધી જ સવલતો ખરીદી શકાય છે પરંતુ અંગ ખરાબ થાય તો નવું લગાડી શકાતું નથી. કારણ કે, બજારમાં શરીરનાં અંગોનું ઉત્પાદન કરતી કોઈ ફેક્ટરી નથી. મૃત્યુ બાદ શરીરનું કોઈ મહત્ત્વ નથી. કોઈ વ્યકિતને નવું જીવન આપી શકશે. – રજનીકાંત હિરપરા, દેહદાતા
સૌથી મોટું દાન દેહદાન જ છે
આપણે ત્યાં ઘણાં બધા સંકલ્પો લેવાય છે, ઘણી પરંપરાનું અનુસરણ થઈ રહ્યું છે. પરંતુ, અંગદાન કે દેહદાનનાં સંકલ્પો કે પરંપરા ખુબ જૂજ જોવા મળે છે. અમારા વડીલનાં અવસાન બાદ તેમના દેહદાન માટે સંસ્થાઓએ સમજાવ્યું ત્યારે સમજાયું કે, જીવનમાં સૌથી મોટુ કોઈ દાન હોય તો દેહદાન અને અંગદાન છે. તમારા અંગોથી કોઈ વ્યકિતને જો નવજીવન મળતું હોય, તો એ તમારા જીવનની સૌથી મોટી કમાણી છે. મેડિકલનાં વિદ્યાર્થીઓને શરીરની રચના સમજવા માટે પરિવારના સભ્યોએ દેહદાન માટે સંકલ્પ લઈ સહમતિ આપી છે. – દિલીપકુમાર હિરપરા, દેહદાતા.