વર્ષ 2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો બનાવવાની માંગણી સાથે સમાચારમાં આવેલ સમાજસેવક અણ્ણા હઝારે ફરી એકવાર ચર્ચામાં છે.
અણ્ણાએ મોદી સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે, તેઓ 23 માર્ચથી આંદોલન કરશે, જો સરકારે તેમની વાત નહીં માની તો તેઓ પ્રાણ ત્યાગશે. રવિવારે ભારતીય કિસાન યુનિયન ના એક કાર્યક્રમમાં બોલતા અણ્ણા હઝારેએ આ વાત કહી હતી. તેમણે આગળ કહ્યું કે, દેશના તમામ રાજ્યોમાં અનશન સાથે અહિંસક રીતે જેલ ભરો આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડાઇ ચાલુ રહેશે.
અણ્ણાહઝારેએ કહ્યું કે, દેશ આઝાદ થયાને 70 વર્ષ થયા છે, પરંતુ હજુ પણ દેશની પરિસ્થિતિ પહેલા જેવી જ છે.
દિલ્હીમાં અંતિમ આંદોલન થશે, જો સરકાર તમામ માંગણીઓ પૂર્ણ ના કરે તો હું આંદોલનમાં બેઠા-બેઠા જ પ્રાણ ત્યાગી દઇશ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, જો તમે જેલ જવા માટે તૈયાર હોવ તો જ દિલ્હી આવજો. દેશના ખેડૂતોની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તેમણે 9 રાજ્યોની મુલાકાત કરી છે. દેશમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયાજનક છે.
દિલ્હીમાં આંદોલન દરમિયાન ખેડૂતોની માંગણી પણ મુકવામાં આવશે. તેમણે દેશના ખેડૂતોને સમર્થન આપવાની અપીલ કરી છે. મોદી સરકાર અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મોદી સરકારને તક આપવા માટે અમે સાડાત્રણ વર્ષ ચૂપ રહ્યાં. સરકારને ખેડૂતો નહીં, ઉદ્યોગપતિઓની ચિંતા છે. તેમણે લોકપાલને નબળું પાડ્યું છે. મોદીજી જે પગલાં લઇ રહ્યાં છે, એમાં લોકતંત્રને જોખમ છે અને દેશ હુકુમ શાહી તરફ જઇ રહ્યો છે.