મગફળી કાંડને કોંગ્રેસ બનાવશે રાષ્ટ્રીય મુદ્દો, દિલ્હીમાં 4 વાગ્યે થશે મોટા ખુલાસા

અમદાવાદ: માળિયા હાટીનાની મોટી ધણેજ સહકારી મંડળીએ ખરીદેલી મગફળીમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડમાં માળિયાના તાલુકા ભાજપ પ્રમુખ અને યુવા મોરચાના ઉપપ્રમુખના નામ ખૂલતાં બંનેને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. મગફળી કૌભાંડને કોંગ્રેસ ભાજપ સામે રાષ્ટ્રીય મુદ્દો બનાવવા જઈ રહી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આ માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમની સાથે ગુજરાત પ્રભારી રાજીવ સાતવ 4 વાગ્યે ધડાકા કરશે.

જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરાઇ હતી

મગફળીના જથ્થામાં ધૂળ ભેળવવાના કૌભાંડમાં પોલીસે બુધવારે જેતપુરના વિશાલ નામના શખ્સને દબોચી લીધો હતો. મગફળીમાં ધૂળ ભેળવવામાં વિશાલની વરવી ભૂમિકા હતી. વિશાલે પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા. જેતપુર પાસેના ગોડાઉનમાં માટીની ભેળસેળ કરવામાં આવતી હોવાની કેફિયત આપી હતી. ભેળસેળમાં અન્ય કોઇની સંડોવણી હતી કે કેમ તે બાબતે પોલીસે વિશાલની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

મિલ માલિકે મગફળીના પૈસા કોને અને કેવી રીતે ચૂકવ્યા’તા

6700 ગુણી મગફળી કેશોદની ક્રાંતિ ઓઇલ મિલમાં વેચી દેવાયાનો પોલીસ તપાસમાં ધડાકો થયો હતો. રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવડિયાએ વેચેલી મગફળીના પૈસા કોને મળ્યા તે અંગે પોલીસને મચક આપી નહોતી, પરંતુ બુધવારે પોલીસે મિલમાલિક રાજેશ વાડોલિયાની ધરપકડ કરી લીધી હતી.

મગફળી કોણ વેચવા આવ્યું હતું, કેટલો ભાવ નક્કી થયો હતો, મગફળીની રકમ કેવી રીતે અને કોને ચૂકવવામાં આવી હતી સહિતના મુદ્દે પોલીસે રાજેશ વાડોલિયાની પૂછપરછ શરૂ કરી હતી.

ભાયાવદરમાં પાટીદારોએ કૌભાંડમાં સંડોયવાયેલા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કરી માંગ

ભાયાવદરમાં મગફળી કૌભાંડ મામલે પાટીદારોએ ઠરાવ કર્યો હતો. જેમાં આગામી તા.25 ઓગસ્ટના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના ટેકામાં મળેલી પાટીદારોની મિટિંગમાં મગફળી કાંડ ગુંજ્યો હતો. પાસની મિટિંગમાં કરોડોના મગફળી કૌભાંડ મામલે યોગ્ય તપાસની માંગ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પાસ દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવમાં વિપક્ષના નેતાઓને સાથે રાખીને ઉચ્ચસ્તરીય તપાસ કમિટી રચીને કૌભાંડની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને રાજ્યપાલને સંબોધીને લખેલા પત્રમાં મગફળી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવાની પાટીદારોએ માંગ કરી હતી.

કૌભાંડ કોના ઇશારે થયું? પોલીસ હજુ સુધી બહાર લાવી શકી નથી

મગફળી કૌભાંડ અંગે ગત તા.1ના ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસથી જ પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો હતો. અઠવાડિયામાં 29 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં મુખ્ય કાવતરાખોર તરીકે મગન ઝાલાવડિયા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ સમગ્ર કૌભાંડ કોના ઇશારે થયું હતું તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. મગન ઝાલાવડિયા સમગ્ર કૌભાંડ આચરી શકે તેવી શક્યતા દેખાતી નથી.

પડદા પાછળનો કસબી કોણ છે, મગન ઝાલાવડિયા અને તેના સાથીદાર માનસિંગ સહિતના લોકો પોલીસ સકંજામાં છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કોણ?, તે બાબત બહાર કાઢવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ નથી. સમગ્ર ટોપલો મગન પર ઓઢાડી હંમેશ માટે પડદો પાડી દેવાશે કે સૂત્રધાર સુધી પોલીસ પહોંચશે તે બાબત આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top