ચંદીગઢ: ઓનર કિલિંગ માટે બદનામ હરિયાણાના રોહતકમાં કથિત ઓનર કિલિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ દલિત પ્રેમી સાથે ભાગી ગયેલી છોકરી બુધવારે કોર્ટમાં પોલીસ પ્રોટેક્શન સાથે હાજરી આપવા આવી ત્યારે કોર્ટની બહાર જ બાઈક પર આવેલા બે શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. છોકરીને બચાવવા તેની સુરક્ષા કરી રહેલા PSIએ પણ ક્રોસ ફાયરિંગ કર્યું હતું. જોકે, બંનેને ગોળીઓ વાગી હતી.
ઘાયલ અવસ્થામાં છોકરી અને પીએસઆઈ બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં બંનેએ દમ તોડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દલિત પ્રેમી સાથે ભાગી જનારી છોકરી જાટ હતી, અને તે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રેમી સાથે ઘર છોડીને ચાલી ગઈ હતી. યુવતીના પરિવાજનોએ તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ કપલે લગ્ન કરી કોર્ટમાં સુરક્ષા માગી હતી.
જોકે, પાછળથી પ્રેમલગ્ન કરનારી આ છોકરીની વય 18 વર્ષથી ઓછી હોવાનું બહાર આવ્યું હતું. તેની ઉંમર લગ્ન માટે યોગ્ય હોવાનું પુરવાર કરવા ખોટો પુરાવો રજૂ કરવા બદલ તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરીને તેને જેલને હવાલે કર્યો હતો. જોકે, યુવતી પોતાના માતાપિતા પાસે જવા ન માગતી હોવાથી તેને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપવામાં આવી હતી.
બુધવારે આ યુવતી પીએસઆઈ નરેન્દ્ર કુમાર અને એક મહિલા કોન્સ્ટેબલના પ્રોટેક્શનમાં પોતાની જન્મતારીખ અંગે ચાલી રહેલા કેસની મુદ્દતમાં હાજરી આપવા માટે કોર્ટમાં આવી હતી. તેઓ બપોરે કોર્ટની કાર્યવાહી પતાવી પરત ફરી રહ્યાં હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ છોકરીને ગોળી મારી દીધી હતી. વચ્ચે આવનારા પીએસઆઈને પણ ગોળી મરાઈ હતી. જોકે, તેમની સાથે રહેલી મહિલા કોન્સ્ટેબલ બચી ગઈ હતી.
પોલીસે આ મામલે છોકરીના પિતા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરીનો બાપ કોર્ટમાં હાજર હતો, અને ફાયરિંગ કરનારા બે શખ્સો પણ કોર્ટમાં દેખાયા હતા. વિધિની વક્રતા એ છે કે, પ્રેમલગ્ન કરનારી છોકરીનું મોત થયું છે, અને તેનો પ્રેમી હાલ જેલમાં છે.