પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ૨૫મી ઓગસ્ટથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસ યોજવાની જાહેરાત કરી છે. જોકે ઉપવાસ માટે નિકોલમાં જે મેદાન હાર્દિકે ભાડે માગ્યું છે તેને પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ મુદ્દે હાર્દિકે ગુરુવારે જણાવ્યું છે કે, ૧૦મી ઓગસ્ટે ઉપવાસ આંદોલનની મંજૂરી સંદર્ભે તંત્રની મુલાકાત કરીશ. આ સાથે જ ભાજપને એવી ચીમકી ઉચ્ચારી છે કે, કોઈના બાપની તાકાત નથી કે ઉપવાસ આંદોલન રોકી શકે.
હાર્દિકે અમદાવાદના નિકોલમાં ઉપવાસ માટે માંગેલું મેદાન પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સંદર્ભે પાસ કન્વીનરે કહ્યું કે, ૧૦મી ઓગસ્ટના શુક્રવારે હું આંદોલનની મંજૂરી બાબતે પહેલી અને છેલ્લી વાર અમદાવાદ શહેર પોલીસ કમિશનરને બપોરે ૨.૧૫ કલાકે તેમજ મ્યુનિ. કમિશનરને ૩.૨૦ કલાકે રૂબરૂ મળીશ. પાસ કન્વીનરે કહ્યું કે, ઉપવાસ કાર્યક્રમ બંધ રાખવા માટે ભાજપ સરકાર તમામ તાકાત લગાવી રહી છે, તમામ પ્રકારના તરકટ રચી રહી છે.
પાસ ટીમનું કહેવું છે કે, ઉપવાસ માટે ૫૦થી વધુ દિવસ પહેલાં કોર્પોરેશનના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, હવે આ મેદાનને રાતોરાત પાર્કિંગ ઝોન જાહેર કર્યો એટલે અમે સહકારની ભાવનાથી નિકોલમાં આવેલા બીજા પ્લોટમાં કાર્યક્રમ કરવા માટે તૈયારી દર્શાવી છે.
ઉપવાસ કાર્યક્રમ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત જાટ અને મરાઠા આંદોલનના આગેવાનો પણ ભાગ લેવા આવશે તેમ પાસ ટીમનું કહેવું છે