પૂર્વ સરપંચનો પુત્ર છે વીડિયો વાયરલ કરનારો કાઠીયાવાડી ક્રિશ, કેનેડામાં 15 દિવસમાં જ યાદ આવ્યું ઘર

સુરતઃ કેનેડાની ધરતી પર પગ મુક્યાના પંદર જ દિવસમાં ઘર યાદ આવતું હોય તેવો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામનો વતની છે. ક્રિષના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય. અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધા ખૂબ ખુશ છીએ.

પરિવાર સાથે જ રહેલો ક્રિશ પહેલીવાર એકલો રહે છેઃ પિતા

સરથાણા ખાતે આવેલી ઋષિકેશ ટાઉનશિપમાં રહેતા ક્રિશના પિતા અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે પાંચેક વર્ષથી સુરત આવી ગયા છીએ. અગાઉ જામનગરમાં ક્રિશ બાળમંદિરથી 10 સુધી ભણ્યો હતો. અને 11 અને 12મું ધોરણ ગજેરા વિદ્યાલયમાં કોમર્સ સાથે કર્યું હતું. બાદમાં બિઝનેસનો કોર્ષ પણ કર્યો. જો કે, પરિવારની સાથે રહીને જ ક્રિશ ભણ્યો હતો.

પરંતુ પહેલીવાર તે કેનેડા પરિવારથી છૂટા પડી એકલો ગયો છે. જેથી તેને અહિંની લાઈફસ્ટાઈલ અને ત્યાં ગયા પછી કેટલો ફરક પડ્યો તેનો વીડિયો બનાવ્યો. જે આટલો વાયરલ થતાં અમને ખુશી છે સાથે જ ક્રિશ અને અમે પણ એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે, પરિવારમાં પણ એ જ રીતે બાળકોએ રહેવું જોઈએ. જેથી એકલા પડીએ ત્યારે કષ્ટ ઓછું સહન કરવું પડે.

ક્રિશના પરિવારમાં છે પાંચ સભ્યો

કેનેડામાં બિઝનેસનો કોર્ષ કરતાં ક્રિશનું પરિવાર સુરત રહે છે. સુરતમાં ક્રિશના પપ્પા અશોકભાઈ, માતા પ્રવિણાબહેન અને દાદા નાનજીભાઈ કરમશીભાઈ ભંડેરી તથા મોટો ભાઈ યશ પણ રહે છે.ક્રિશનો મોટોભાઈ યશ સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ કન્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

ક્રિશના પિતા માંડાસણ ગામમાં રહ્યાં 15 વર્ષ સરપંચ

કેનેડાથી ગુજરાત ભરમાં ધૂમ મચાવનાર ક્રિશના પિતા અશોકભાઈ તેના વતન માંડાસણ ગામમાં 15 વર્ષ સુધી સરપંચ રહ્યાં હતાં. 30 વર્ષ સુધી અશોકભાઈએ હાઈસ્કૂલમાં ક્લેરીકલ વિભાગમાં નોકરી કરી હતી. ત્યારબાદ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી સુરત આવ્યાં હતાં. અશોકભાઈએ માંડાસણ ગામમાં 1997માં 55 લાખ રૂપિયાના ખર્ચે સમાજની વાડી(ભવન)નનું નિર્માણ કરાવ્યું હતું. 2500 લોકોની વસતી ધરાવતાં ગામમાં હવે મોટાભાગના સારા પ્રસંગો આ વાડીમાં જ થતાં હોવાનું તેમણે કહ્યું હતું.

ક્રિશ રસોઈનો ખૂબ શોખીનઃ માતા પ્રવિણાબેન

ક્રિશના માતા પ્રવિણાબેને જણાવ્યું હતું કે, તેને મારા હાથની રસોઈ ખૂબ ભાવે છે. પહેલેથી જ અમે સાથે રહ્યાં ક્યારેક એકલો મુક્યો નહોતો. હોસ્ટેલમાં પણ રહ્યો નથી. તે વિદેશ એકલો જતો ત્યારે દુઃખ થયું હતું. પરંતુ વીડિયો કોલથી વાત કરીએ છીએ. અને તેમાં પણ માત્ર પંદર જ દિવસમાં તેના વીડિયો લોકો ખૂબ જોતા હવે મને લોકો પુછી રહ્યાં છે કે, જુઓ તમારા દીકરાને કેટલો સરસ બોલે છે. આને તો તમે હીરો જ બનાવજો. જો કે, અમે પતિ-પત્નીએ નક્કી કર્યુ છે એની ઈચ્છા પ્રમાણે એ કરશે. મોટાભાઈ યશે જણાવ્યું હતું કે, પહેલેથી જ ક્રિશ સ્પષ્ટ ક્તા છે. જે હોય તે કહી દે અને થોડોક મજાકવાળો સ્વભાવ પણ ખરો એટલે ગમે તેને થોડી જ વારમાં હસતા કરી દે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top