રાજકોટ: રાજકોટના મોરબી રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ભગવતી હોલ પાસે ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા બે મહિલાના મોત થયા હતા. એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલા મહિલા બન્ને દેરાણી જેઠાણી હોવાનુ જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા ગયા હતા અને રાહદારીઓએ પોલીસ તથા 108ને જાણ કરી હતી.
રસ્તા પર લોહી વહ્યું, લોકોના ટોળેટોળા. ટ્રાફિકજામ
પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા સીતારામ પાર્ક સોસાયટીમાં રહેતી સગી દેરાણી-જેઠાણી મનિષાબેન ધર્મેશભાઇ સોલંકી (ઉ.29) અને અંજનાબેન આશિષભાઇ સોલંકી (ઉ.25) એક્ટિવા લઇ જતી ત્યારે ભગવતી હોલ પાસે ડમ્પરે હડફેટે લેતા બન્ને રોડ પર પટકાઇ હતી અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવના પગલે રાહદારીઓ સહિત આજુબાજુના વિસ્તારના લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવના પગલે પોલીસ પણ પહોંચી ગઇ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક ચાલક કોણ હતો તેની વિગતો મેળવાઇ રહી છે. સગી દેરાણી-જેઠાણી બન્નેના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. પોલીસે વધુ વિગત મેળવવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે