અમદાવાદઃ આજથી 3 વર્ષ પહેલા હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન અને તેના વિરોધમાં અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સમગ્ર ઓબીસી, એસસી, એસટી એક્તા મંચના આંદોલને ગુજરાતને બાનમાં લઈ લીધું હતું. આ બંને આંદોલનો ગુજરાતના ઠરીઠામ થઈ ગયેલા રાજકરણમાં એક નવી ઉર્જા સાથે તોફાન લાવ્યા હતા. ત્યારે આ ઓગસ્ટ મહિનાના અંતે પણ શું ઇતિહાસ ફરી પોતાનું પુનરાવર્તન કરશે કે કેમ તે સવાલ હાલ સરકારથી લઈને તંત્ર દરેકને થઈ રહ્યો છે.
પોતાના રાજકીય અસ્તીત્વની લડાઈ લડતા હાર્દિકે ફરી એકવાર પાટીદાર અનામત આંદોલનની આગ સળગતી રહે તે માટે આંદોલનનો નવો તબક્કો શરુ કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ આંદોલન દ્વારા કોંગ્રેસ ધારાસભ્ય બની ગયેલા અલ્પેશ ઠાકોરે પણ ઓબીસી સમાજના હિતની રક્ષાના નામે ઓગસ્ટના અંતમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે.
25મી ઓગસ્ટના રોજ હાર્દિકે પાટીદારોને OBC અનામત મળે તે માટે ભૂખ હડતાલની જાહેરાત સાથે આંદોલનની શરુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે તો બીજી તરફ ઠાકોરે 27મી ઓગસ્ટના દિવસે પદયાત્રા દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જ્યારે 16 ઓગસ્ટથી ત્રીપુટી પૈકી ત્રીજા વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલીત નેતા જીગ્નેશ મેવાણીએ પણ જમીન ન હોય તેવા SC સમાજના સભ્યો માટે જામીન હક્કની માગણી સાથે આંદોલનની તૈયારી કરી છે.
16 ઓગસ્ટના દિવસે મેવાણી અને તેના સપોર્ટર્સ ગાંધીનગરમાં માર્ચનું આયોજન કરશે. જેમાં તેઓ જમીન હક્ક માટે લડતા દલીત આગેવાન ભાનુ વણકરના આત્મદાહના 6 મહિના પછી પણ હજુ સુધી સરકાર તરફથી આ મામલે કોઈ પગલા ઉઠાવવામાં ન આવ્યાનો વિરોધ પ્રદર્શિત કરશે.
જ્યારે રવિવારે અલ્પેશ ઠાકોરે પણ જાહેરાત કરી કે હાર્દિકાના ઉપવાસ આંદોલનના બે દિવસ પછી પોતે પણ મોરચો ખોલશે. જેમાં OBC સમાજના મુદ્દાઓ, તેમજ જે બેઠકો OBC સમાજને ફાળવવામાં આવે છે તે ભરવામાં ન આવતા આ બેઠકો જનરલ વર્ગના ફાળે ચાલી જાય છે. જ્યારે લોન OBC સમાજના લોકોએ પોતાની જમીન ગીરવે મુકવી પડે છે. આ નિયમોમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે હું એક મહિનાનું આંદોલન કરીશ.
જ્યારે કોંગ્રેસના ટેકાથી અપક્ષ ચૂંટાઈ આવેલ મેવાણીએ કહ્યું કે, ‘હું 14મીના રોજ સીએમ ઓફીસ જઇશ અને પ્રશ્ન કરીશ કે ભાનુ વણકરને આત્મહત્યા માટે પ્રતાડિત કરનાર આરોપીઓની શા માટે હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી.’ તેમજ હાર્દિકની પાટીદારો માટે OBC માગણી પર બોલાતા મેવાણીએ કહ્યું કે, ‘જો SC, ST અને OBCના હક્કો પર તરાપ માર્યા વગર બીજી કોઈ જ્ઞાતિને લાભ મળતો હોય તો તેમને અનામત સામે મારો કોઈ વિરોધ નથી પણ અમારા હક્કોનું સંરક્ષણ પહેલા થવું જોઈએ.’ જ્યારે પાટીદાર અનામત આંદોલન સામે અલ્પેશના OBC સમાજના મુદ્દે આંદોલન અંગે હાર્દિકે કહ્યું કે ‘જો જિગ્નેશ અને અલ્પેશ પોતાની જ્ઞાતિના કલ્યાણ માટે કંઈ કરતા હોય તો તેની સામે મારો કોઈ વિરોધ નથી.’