મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થશે BJPની હારઃ સર્વે

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને તગડો ઝટકો લાગી શકે છે. તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ ત્રણે રાજ્યોમાં કમબેક કરી શકે છે. એબીપી ન્યૂઝ અને સીવોટર દ્વારા કરાવાયેલા ત્રણ રાજ્યોના સર્વે અનુસાર કોંગ્રેસ આ ત્રણે રાજ્યોમાં સરકાર બનાવી શકે છે.

જો સર્વેના આંકડાઓ પરિણામ રુપે સામે આવશે તો બીજેપી માટે આ મોટી હાર ગણાશે. લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જોકે, ત્રણે રાજ્યોમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે લોકોની પહેલી પસંદગી છે.

સર્વે અનુસાર, મધ્યપ્રદેશ વિધાનસભાની 230 સીટમાં કોંગ્રેસને 117, બીજેપીને 106 અને અન્યને 7 સીટ મળવાનું અનુમાન છે. મધ્ય પ્રદેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 54 ટકા લોકોની પહેલી પસંદ છે. જ્યારે રાહુલ ગાંધીને 25 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે. જોકે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા અને અન્યને 15 ટકા વોટ મળવાની આશા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શિવરાજ સિંહ ચૌહાણ 42 ટકા, જ્યોતિરાદિત્ય સિંધિયા 30 ટકા અને કમલનાથ 7 ટકા લોકોની પસંદ બન્યાં છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 40 ટકા અને કોંગ્રેસને 42 ટકા વોટ મળવાની શક્યતા જણાવવામાં આવે છે. જ્યારે અન્યને 18 ટકા વોટ મળવાની ધારણાં છે.

છત્તીસગઢમાં કુલ 90માંથી કોંગ્રેસને 54, બીજેપીને 33 અને અન્યને કુલ ત્રણ સીટ મળવાનું અનુમાન છે. જોકે, છત્તીસગઢના સીએમ તરીકે 34 ટકા લોકોની પહેલી પસંદ રમણસિંહ છે. કોંગ્રેસથી અલગ થઈ ચૂકેલા અજીત જોગીને 17 ટકા લોકો પસંદ કરે છે. ભૂપેશ બધેલ 9 ટકા લોકોની પસંદગી છે.

વોટની વાત કરવામાં આવે તો કોંગ્રેસને 40 ટકા અને બીજેપીને 39 ટકા વોટ મળવાનું અનુમાન છે. છત્તીસગઢમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી 56 ટકા અને રાહુલ ગાંધીને 21 ટકા લોકો પસંદ કરે છે. લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં બીજેપીને 46 ટકા, કોંગ્રેસને 36 ટકા અને અન્ય પાર્ટીઓને 18 ટકા વોટ મળવાનું અનુમાન છે.

રાજસ્થાનની કુલ 200 સીટમાં કોંગ્રેસને 130 સીટ, બીજેપીને 57 અને અન્યને 13 સીટ મળવાની ધારણાં છે. મુખ્યમંત્રી તરીકે અશોક ગહેલોત 41 ટકા, વસુંધરા રાજે સિંધિયા 24 ટકા અને સચિન પાયલટ 18 લોકોની પસંદ છે. રાજસ્થાનમાં બીજેપીને 39 ટકા, કોંગ્રેસને 40 ટકા અને અન્યને 21 ટકા વોટ મળવાની શક્યતા છે.

લોકસભા ચૂંટણીમાં બીજેપીને 47 ટકા, કોંગ્રેસને 43 ટકા અને અન્યને 10 ટકા વોટ મળી શકે છે. જોકે, વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અહિ પણ રાહુલ ગાંધી કરતાં આગળ છે. 55 ટકા લોકો તેમને ફરીથી વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છે છે જ્યારે 22 ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here