ઈન્દોરઃ શહેરના કાન,નાક, ગળા (ENT) સ્પેશ્યિાલિસ્ટ ડોક્ટર નવનીત જૈનની ચેમ્બરમાં પ્રવેશતાં જ એક બોર્ડ નજરે પડે છે જેમાં લખેલું છે કે,’સૈનિક ભાઈઓને ફી આપવાની જરુર નથી, તમે પહેલાથી જ બોર્ડર પર ફી ચૂકવી રહ્યાં છો.’ આ વાંચીને તમારા મનમાં ડોક્ટર પ્રત્યે સન્માન તો જાગે જ છે આ ઉપરાંત તેમની વાત સાંભળીને ગર્વ પણ થાય છે. સૈનિકોના બલિદાનને સન્માન આપવા માટે તેમણે ચાર વર્ષ પહેલા આ પહેલ કરી હતી.
ડોક્ટર નવનીત જૈન સૈનિકો અને તેમના પરિવારની મફતમાં સારવાર કરે છે. તેઓ ઓપરેશન કરવાનો પણ કોઈ જ ચાર્જ વસૂલ કરતાં નથી. સૈનિકોને માત્ર તેમની સાથે ઓળખપત્ર લાવવાનું રહે છે. ડો.જૈને એક વેબસાઈટને જણાવ્યું હતું કે નાનપણથી જ તેઓ જ્યારે સૈનિક વિશે સાંભળતા હતા ત્યારે તેમના મનમાં સન્માનની ભાવના ઉઠતી હતી. તેમણે એ પણ જણાવ્યું કે બોર્ડર પર જઈને હું કશું જ કરી ન શક્યો તો તે ઉણપને દૂર કરવા અને આત્મસંતોષ માટે મેં આ પહેલ કરી હતી.
આટલું જ નહિ ડો.જૈન કારમાં હંમેશા 25થી 30 અલગ અલગ સાઈઝના ચપ્પલ પણ રાખે છે. તેઓ જ્યારે પણ ક્લિનિકમાં જતાં હોય અને કોઈપણ રસ્તામાં ચપ્પલ વગર જોવા મળે તો તેઓ કારમાંથી ઉતરીને ચપ્પલ આપી દે છે. દસ વર્ષથી ડો.જૈન આવું કરી રહ્યાં છે.
ડો.જૈનના જણાવ્યાનુસાર 4-5 સૈનિક અથવા તેમનો પરિવાર રોજ આવે છે. જ્યાં સુધી વાત છે સૈનિકોની તો તેમને સૌથી વધારે પરેશાની બંદૂકના અવાજની થાય છે. સૈનિકોને સૌથી વધારે પરેશાની કાનના પડદા ફાટવાની હોય છે. જો.જૈને એ પણ જણાવ્યું હતું કે, ‘સુરક્ષા વ્યવસ્થાના લીધે મને તક નથી મળતી બાકી મારે હજુ મિલિટ્રી હોસ્પિટલમાં સેવા કરવા જવું છે.’