અમદાવાદઃ ગુજરાતના રમખાણો પછી રાજ્યની મુલાકાતે આવેલા વાજપેયીએ મોદીને બહુ જ માર્મિક શબ્દોમાં રાજધર્મનું પાલન કરવાની શિખામણ આપી હતી એ તો જાહેર બાબત છે, પરંતુ એ પછી પણ નારાજ વાજપેયી મોદી સાથે સીધી વાત કરવાનું ટાળતા હતા અને અડવાણીના માધ્યમથી તેમને સંદેશ મોકલાવતા હતા.
મોદી કમ સે કમ રાજીનામાની ઓફર તો કરે
ગુજરાતના રમખાણોને મુદ્દો બનાવીને એનડીએના સાથી પક્ષો પૈકી મુખ્યત્વે જદયુના નીતિશકુમારે ઉગ્ર શબ્દોમાં નારાજગી વ્યક્ત કરીને મોદીનું રાજીનામું લો અથવા અમે છૂટા પડીએ એવી સ્પષ્ટ ચિમકી આપી હતી ત્યારે વાજપેયી અડવાણીને કહ્યું હતું કે આવી રીતે સહયોગીઓ નારાજ થઈને ગઠબંધન છોડી જાય એ બહુ મોટું નુકસાન ગણાય.
એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ભાજપના આ બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલી અત્યંત ગંભીર ચર્ચાની વિગતો આપતાં અડવાણીએ કહ્યું હતું કે, ‘એ વખતે જોકે હું મોદીના રાજીનામા અંગે બિલકુલ સંમત ન હતો. આથી મેં ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ પોતાના આગ્રહ પર મક્કમ રહેલાં વાજપેયીએ મને સૂચવ્યું કે કમ સે કમ મોદી એકવાર રાજીનામાની ઓફર તો કરવી જોઈએ’
અડવાણીના કહેવા પ્રમાણે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ભાગ લેવા જતી વખતે વિમાનમાં તેમણે મોદીને રાજીનામું ઓફર કરવા સમજાવ્યા. એ મુજબ કાર્યકારિણીના આરંભે જ મોદીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ઉપસ્થિત સદસ્યોએ મક્કમતાથી નકારી કાઢ્યો અને એ રીતે મોદીની ઘાત ગઈ.
વાજપેયીની નારાજગી યથાવત રહી
જોકે તેમ છતાં મોદી પ્રત્યેની વાજપેયીની નારાજગી જરાય ઘટી ન હતી. 2004ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની હાર માટે તેઓ ગુજરાતના રમખાણોને જવાબદાર માનતા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે, ગુજરાતમાં થયેલા તોફાનો લોકસભા ચૂંટણીમાં ભાજપની હારનું મુખ્ય કારણ બન્યું. ગુજરાતના તોફાનો શરમજનક હતા અને તેનું પુનરાવર્તન ન થવું જોઈએ. એ કહેવું મુશ્કેલ છે કે, ચૂંટણીમાં ભાજપની હારના તમામ કારણો ક્યાં હતા. જો કે, ગુજરાત તોફાનોનું પરિણામ એ પણ હતું કે, અમે ચૂંટણી હારી ગયા.
વિપક્ષે તોફાનોના મુદ્દાને ઉછાળ્યો તો અટલજીએ કહ્યું, રાજનીતિમાં આવું થતું રહે!
ગુજરાતમાં તોફાનો દરમિયાન લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓનો વિપક્ષે ફાયદો ઉઠાવ્યો હતો. આ અંગે પત્રકારોએ પ્રશ્ન કરતા તેમણે કહ્યું કે, વિપક્ષે રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો પણ હું તેમને દોષ નહીં આપું. આ રાજનીતિ છે અને અહીં આવું થતું રહે છે. વાજપેયીએ કહ્યું કે, ગુજરાતમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું અને તેની નિંદા કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આવા પગલાં લેવા જરૂરી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બની શકે. આવું પહેલીવાર બન્યું કે, ભારતીય જનતા પાર્ટીના કોઈ ટોચના નેતાએ માન્યું નહોતું કે, પાર્ટીની હાર માટે ગુજરાતના તોફાનો પણ જવાબદાર હતા. જોકે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વેકૈયા નાયડુએ ગુજરાત તેમની હારનું કારણ બન્યું હોવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીએ પણ કહ્યું હતું કે, ઈન્ડિયા શાઈનિંગનો નારો ચાલ્યો નથી અને કારનું કારણ ગુજરાત નથી