અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા જેનો આજે સુખદ અંત આવ્યો છે. ચોમાસું શરુ થયા પછી આજે અમદાવાદમાં સારો વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ઠેર-ઠેર ભારે વરસાદ બાદ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને જોતા AMC દ્વારા લોકોને સૂચિત કરવામાં આવ્યા છે. સૌથી ગંભીર સ્થિતિ પૂર્વ વિસ્તારમાં છે જેમાં હાટકેશ્વર વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયા છે. હવામાન વિભાગે રાજ્યમાં કરેલી ભારે વરસાદની આગાહી પ્રમાણે મૂશળધાર વરસાદ નોંધાયો છે.
અનેક સ્થળે માર્ગો પર પાણી ફરી વળ્યા
શહેરના અનેક વિસ્તારોમાં દે ધનાધન વરસાદને પગલે ગોતા, દૂધેશ્વર, સરસપુર, જૂના વાડજ, રખિયાલના નીચાણવાલા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. તો શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા.
લોકોને બાઈક અને સ્કૂટર જેવા વાહનોમાં બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. વરસાદમાં વાહન બંધ પડે તેવી નોબત ન આવે તે માટે પણ લોકો ઘરબહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ઓફિસે જનારા અટવાયા
શહેરમાં ધોધમાર વરસાદને પગલે કેટલાય વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે થયેલા વરસાદને પગલે નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે નિયત સમય કરતાં ઓફિસ પહોંચવામાં લોકોને અગવડતા પડી રહી છે. ઘરમાં પેક કરેલા રેઈન કોટ કાઢીને પણ લોકો ઓફિસે પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનાં ફેરવાયું છે. જે 24 કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે, જેને પગલે 17થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદની શક્યતા છે.
કયાં વરસાદ પડશે
17 ઓગસ્ટ- વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં મધ્યમથી ભારે.
18 ઓગસ્ટ- ડાંગ, તાપી, ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, ગીર-સોમનાથ,ઉ.ગુ.માં અતિભારે.
19 ઓગસ્ટ- નવસારી, સુરત, ભરુચ, ગીર-સોમનાથ, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં ભારેથી અતિભારે
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી છે. આ વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે. આજ રીતે સૌરાષ્ટ્રમાં ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. ગોધરામાં થયેલા ભારે વરસાદના કારણે લોકોની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે.
અનેક વિસ્તારો પાણીમાં