નીતિન પટેલ પછી હવે પુરુષોત્તમ સોલંકીએ રુપાણી સામે બાંયો ચઢાવી, જાણો વિગત

વિજય રુપાણી સરકારને સત્તા સંભાળે હજુ અઠવાડિયું પણ નથી થયું, પરંતુ તેની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. નારાજ ડેપ્યુટી સીએમને પક્ષે માંડ મનાવ્યા છે, ત્યારે હવે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી નારાજ થયા છે. સોલંકી પોતાની નારાજગી વ્યક્ત કરવા સીએમને મળવા પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, પાંચ વાર જીત્યા પછી પણ મત્સ્ય ઉદ્યોગ જેવું એક માત્ર ખાતું સંભાળતા મને સંકોચ થાય છે.ભાજપની સ્થિતિ જોઇને લાગી રહ્યું છે  કે નેતાઓ પ્રજાના કામ કરવા નહી પણ ફક્ત ખાતા લેવા માટે જ ચૂંટણી લડ્યા છે.

સોલંકીએ રુપાણી પર સીધું નિશાન તાકતા કહ્યું કે, સીએમ પોતે તો 12 ખાતાં લઈને બેઠા છે, ત્યારે મને વધારે જવાબદારી સોંપવામાં શું વાંધો છે? બધા સમાજનું કામ કરી શકું તેવું ખાતું મળે તો હું પણ સારી રીતે કામ કરી શકું, અને લોકકલ્યાણનું કામ કરી શકું. આ અંગે રુપાણી સરકારના સીનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ. તેઓ નારાજ નથી, બસ તેમણે તેમની વાત સીએમ સમક્ષ મૂકી છે. પ્રદેશ નેતાગીરી અને મુખ્યમંત્રી સાથે બેસીને આ અંગે નિર્ણય લેશે.

પુરુષોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. તેની સામે ભારોભાર નારાજગી દર્શાવતા સોલંકીએ કહ્યું હતું કે, કેટલાક નવા-નવા એમએલએ બન્યા છે તેમને પણ ચાર-પાંચ ખાતાં આપવામાં આવ્યા છે, જ્યારે હું પાંચમી વાર ચૂંટાયો છું, છતાંય મને એક માત્ર ખાતું અપાયું છે, જે યોગ્ય નથી. સોલંકીએ જણાવ્યું હતું કે, મને મારા કદ પ્રમાણે જવાબદારી ન સોંપાતા કોળી સમાજમાં પણ ભારોભાર નારાજગી છે, સમાજના આગેવાનો પણ મને ફોન કરીને મને કેમ આવું ખાતું અપાયું તેના સવાલ કરે છે. સમગ્ર કોળી સમાજ અસંતુષ્ટ છે. સીએમની મુલાકાત બાદ તેઓ શું પ્રતિભાવ આપે છે તે જોયા બાદ આગળના કાર્યક્રમ નક્કી કરીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top