અમદાવાદઃ 19 ઓગસ્ટના રોજ પાસ નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓનો ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો. હાલ હાર્દિક 25 ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હાર્દિકથી અલગ થયેલા પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના 40 સભ્યોએ પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાના નેતૃત્વમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી છે.
14 શહીદ પાટીદારોના પરિવારને ન્યાય અને અનામત આંદોલનમાં જોડાવા કરી અપીલ
ગુજરાતમાં હાલ બે અલગ-અલગ પાસ દ્વારા પાટીદારો માટે અનામતની માંગ કરવામાં આવી રહી છે. જેમાં હાર્દિક પટેલની પાસ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ કરી રહી છે. જ્યારે દિલીપ સાબવાના નેતૃત્વમાં ‘આપ’ના ટોચના નેતાઓને દિલ્હી મળવા પહોંચેલા પાસના સભ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના વરીષ્ઠ નેતા શરદ યાદવને મળી 14 શહીદ પાટીદારોના પરીવારને ન્યાયની સાથે અનામતની માંગના આંદોલનમાં જોડવા માટે અપીલ કરી રહ્યા છે.
રાહુલ ગાંધી સહિત જજ અને IAS-IPSને પણ મળશે
આ દરમિયાન દિલીપ સાબવા અને તેની ટીમ રાહુલને પણ પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરશે. તેઓ માત્ર નેતાઓ જ નહીં પણ હરિયાણાના ગુર્જર નેતા અને કુર્મી પાટીદાર સમાજના પૂર્વ જજ, આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને પણ પોતાની સાથે જોડાવવાની અપીલ કરશે
ખ્યાતનામ વકીલો પાસે જાણશે શહીદોના પરિવારને ન્યાય અપાવવાની કાયદાકીય પ્રક્રિયા
આ સિવાય તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ આકાશ કાકડે અને રામ જેઠમલાણીને મળી 14 શહીદોના પરીવારોને ન્યાય અપાવવા કાયદાકીય પ્રક્રિયા જાણી ગુજરાત સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ કરી રહી છે.
બન્ને પાસની ટોપીમાં જોવા મળ્યો તફાવત
બન્ને પાસમાં જોવા મળતા તફાવત અંગે વાત કરીએ તો હાર્દિકની પાસના સભ્યોની ગાંધી ટોપી પર માત્ર જય સરદાર, જય પાટીદારનો નારો તો દિલ્હી પહોંચેલી પાસ ટીમની ટોપી પર જય સરદારની સાથે યુદ્ધ એ જ કલ્યાણનો નારો જોવા મળી રહ્યો છે.
આજથી 4 વર્ષ પહેલાં શરૂ થયેલી અનામતની લડાઈમાં 14 પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાર્દિક બે વર્ષ સુધી આ મૃતક યુવાનોના પરીવારને ન્યાય અપાવવા માટેની માંગ કરતો રહ્યો હતો. જોકે બાદમાં તેણે આ મુદ્દો છોડી રાજકીય ચોકઠા ગોઠવવાનું શરું કર્યું હતું