અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આગામી 25 ઓગસ્ટથી અનામત અને ખેડૂતોના પ્રશ્ન આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જોકે હાર્દિકે નિકોલના જે ગ્રાઉન્ડ પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી તેમાં AMCએ ફ્રી પાર્કિંગ પ્લોટ શરુ કરી દેતા અને પોલીસ તંત્રે જાહેરમાં ઉપવાસની મંજૂરી ન આપવા ઉપારાંત શહેરમાં 144 લાગુ કરી દેવામાં આવતા હાર્દિકે પોતાના ઘરમાં જ બેસીના ઉપવાસ કરવાનું નક્કી કર્યું છે.
શહેરના એસ.જી. હાઈવે પર વૈશ્ણવદેવી સર્કલ પાસે હાર્દિક જે જગ્યાએ રહે છે તે જગ્યાએ ઉપવાસ કરવાના તેના પ્લાનમાં પણ પંક્ચર પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે તેના ઘરની આસપાસ ઉપવાસ માટે લગાવવામાં આવેલ મંડપને ગઈકાલે ઘર માલિક દ્વારા વિરોધ કર્યા બાદ મંડપવાળાએ રાતે માંડવો ઉઠાવી લીધો હતો. ઉલલેખનીય છે કે હાર્દિકે પહેલા જાહેરાત કરી હતી કે તે હવે કરો યા મરોની જેમ પાટીદારોને OBC અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેસશે.
જોકે કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા તેને આ અંગે મંજૂરી આપવામાં આવી નથી. હાર્દિકે આ સાથે જ આરોપ લગાવ્યો કે તેણે નિકોલમાં ઉપવાસ માટે મંજૂરી માગતા જ અહીં આવેલ તમામ 5 ગ્રાઉન્ડને કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખવામાં આવ્યા છે. જ્યારે પાસાના કેટલાક સૂત્રોનું કહેવું છે કે જો ક્યાંય જગ્યા નહીં મળે તો હાર્દિક પોતાના ઘરે બેસીને પણ ઉપવાસ કરશે તેવો પ્લાન B અમે તૈયાર રાખ્યો છે.
મીડિયા સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે, ‘હું હવે મારા ઘરે જ ઉપવાસ પર બેસીશ અને તેના માટે ઘરમાં જ બધી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જોકે મે નિકોલમાં જગ્યા ન મળતા ગાંધીનગરના સેક્ટર 6માં આવેલ સત્યાગ્રહી છાવણીમાં ઉપવાસ આંદોલન પર બેસવા માટે મંજૂરી માગી છે. પણ મને વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ તંત્ર મને આ મંજૂરી નહીં જ આપે તેથી મે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખી છે. હું માનું છું ત્યાં સુધી ઉપવાસ કરવાના કારણે કોઈને પોતાના ઘરમાં કાઢવામાં આવી શકે નહીં.’
જોકે મોડી રાત્રે હાર્દિક જે ઘરમાં રહે છે તે ઘરના માલિકે ઘરની નજીક લગાવવામાં આવેલ શામિયાણા અંગે વિરોધ કર્યા બાદ મંડપવાળાએ તેને હટાવી લીધો હતો. જે અંગે હાર્દિકે પોલીસ પર આરોપ મુકતા કહ્યું કે, ‘પોલીસે મંડપવાળા પર માંડવો હટાવી લેવા માટે દબાણ કર્યું છે અને મકાન માલિકને પણ કોઈ પ્રોગ્રામને અહીં મંજૂરી ન આપવામાં આવે તેવું જણાવ્યું છે. સરકાર દ્વારા મારો 25 ઓગસ્ટના ઉપવાસ કાર્યક્રમ ન યોજાય તે માટેનો આ એખ સિસ્ટમેટિક પ્રયાસ છે.’
હાર્દિકે ઉમેર્યું કે, ‘હું આ પ્રકારેના દબાણને ક્યારેય વશ નહીં થાઉં. હવે હું મારા ઘરની અંદર બેસીને ઉપવાસ કરીશ.’ જોકે સોમવારના રોજ નિકોલ ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ પહેલા જ હાર્દિક અને તેના સપોર્ટર્સની ધરપકડ બાદ ઘર પાસે બેસીને ઉપવાસ કરવાનો નિર્ણય કવરામાં આવ્યો હતો. પરંતુ અંદરખાનેથી સૂત્રો જણાવી રહ્યા છે કે આજથી ત્રણ વર્ષ પહેલા હાર્દિકનો જે કરિશ્મા હતો તે ઓસરી ચૂક્યો છે અને નિકોલ ખાતે ઉપવાસ માટે ખૂબ જ પાતળી હાજરીમાં ભેગા થયેલા સપોર્ટર્સને જોઈને ઘર પાસે નાની જગ્યામાં ઉપવાસ પર બેસવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી લોકોની વધુ મેદની દેખાય.
જ્યારે હાર્દિકે આ અંગે કહ્યું કે, અમે લગભગ 30000 જેટલા લોકો પહેલા દિવસે આવશે તેવી આશા સેવીએ છીએ. ઓછા લોકો પાછળનું કારણ જણાવતા તેણે કહ્યું કે મે પોતે જ મારા સપોર્ટર્સને ફોન કરીને કહ્યું છે કે વધુ લોકોને ફોન કરતા નહીં કેમ કે અહીં જગ્યા મોટી નથી. મારા ઘરમાં જગ્યા નાની છે તેથી લોકો વારાફરતી આવશે અને મારી સાથે હોવાનો સંદેશો આપશે.
ગાંધીનગર પાસના કન્વીનર ઉત્પલ પટેલે હાર્દિક પટેલના ઉપવાસ માટે કલેક્ટર પાસે મંજૂરી માંગી છે, અને જો કલેક્ટર દ્વારા મંજૂરી આપવામાં નહીં આવે તો રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. આ દરમિયાન ગાંધીનગર કલેક્ટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલને ગાંધીનગરમાં ઉપવાસ માટે મંજૂરી આપવી કે નહીં, તે બાબતે પોલીસ રિપોર્ટના આધારે નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ પોલીસ અને મ્યુ.કમિશનર સમક્ષ પણ કરી હતી રજૂઆત
આ પહેલા તેણે આમરણાંત ઉપવાસના માટે નિકોલમાં આવેલા પ્લોટની મંજૂરી માટે અમદાવાદના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર સાથે રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે આમ છતાં તેને કોઈપણ ગ્રાઉન્ડની મંજૂરી આપવામાં આવી નહોતી.
આ બધા વચ્ચે પાસથી અલગ થયેલી દિલીપ સાબવા અને તેની ટીમ કેજરીવાલને મળવા પહોંચી હતી.તેઓ રાહુલને પણ પોતાના આંદોલનમાં જોડાવા અપીલ કરશે. તેઓ માત્ર નેતાઓ જ નહીં પણ હરિયાણાના ગુર્જર નેતા અને કુર્મી પાટીદાર સમાજના પૂર્વ જજ, આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓને પણ પોતાની સાથે જોડાવવાની અપીલ કરશે.
ખ્યાતનામ વકીલો પાસે જાણશે શહીદોના પરિવારને ન્યાય અપાવવાની કાયદાકીય પ્રક્રિયા
આ સિવાય તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ આકાશ કાકડે અને રામ જેઠમલાણીને મળી 14 શહીદોના પરીવારોને ન્યાય અપાવવા કાયદાકીય પ્રક્રિયા જાણી ગુજરાત સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કરવાની તૈયારીઓ કરી રહી છે.
બન્ને પાસની ટોપીમાં જોવા મળ્યો તફાવત
બન્ને પાસમાં જોવા મળતા તફાવત અંગે વાત કરીએ તો હાર્દિકની પાસના સભ્યોની ગાંધી ટોપી પર માત્ર જય સરદાર, જય પાટીદારનો નારો તો દિલ્હી પહોંચેલી પાસ ટીમની ટોપી પર જય સરદારની સાથે યુદ્ધ એ જ કલ્યાણનો નારો જોવા મળી રહ્યો છે.