આજે 5 જાન્યુઆરીના રોજ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો 32મો જન્મદિવસ છે. દીપિકાનો આ જન્મદિવસ ખૂબ જ ખાસ છે. કારણકે એક રિપોર્ટ અનુસાર આજે શ્રીલંકામાં દીપિકા પોતાના કથિત બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે સગાઇ કરી શકે છે. આજે દીપિકાના જન્મદિવસ પર અમે તેના જીવનની કેટલીક એવી વાતો જણાવીશું જેની તમને જાણ નહીં હોય.
દીપિકાનો જન્મ આજના દિવસે એટલે કે 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કના કોપનહેગનમાં થયો હતો. પરંતુ જ્યારે તે 11 મહિનાની હતી ત્યારે તેનો સમગ્ર પરિવાર ત્યાંથી પરત બેંગલૂરૂમાં રહેવા આવ્યો હતો.
નોંધનીય છે કે ફેમસ સિંગર હિમેશ રેશમિયાએ દીપિકાને બોલિવૂડમાં કામ કરવાની પહેલી તક આપી હતી. પહેલીવાર દીપિકા હિમેશના ગીત ‘નામ હૈ તેરા’માં જોવા મળી હતી. જેને જોઇને ડિરેક્ટર ફરાહ ખાન પણ ખૂબ પ્રભાવિત થઇ હતી અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં તેને લીડ એક્ટ્રેસનો રોલ ઓફર કર્યો હતો.
ઓમ શાંતિ ઓમ ફિલ્મથી પહેલા ડિરેક્ટર સંજય લીલા ભણશાણીએ દીપિકાને રણબિર કપૂરની પહેલી ફિલ્મ સાવરિયા માં લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલ્યો અને સોનમ કપૂરને તે ફિલ્મમાં કામ કરવાની તક આપી હતી. જોકે, આ બન્ને ફિલ્મ્સ એકસાથે જ રીલિઝ થઇ અને સાવરિયા બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.