ગત વર્ષે 11 ડિસેમ્બરે વિરાટ અને અનુષ્કા શર્માનાં હાઈ પ્રોફાઇલ લગ્ન ફરી એક વખત ચર્ચામાં છે. તેમનાં લગ્નની નોંધણીને લઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. બંનેએ 11મી ડિસેમ્બરે ઇટાલીના ટસ્કની શહેર સ્થિત બોરગો ફેનોસિએતો રિસોર્ટમાં લગ્ન કર્યા હતા પરંતુ રોમ સ્થિત ભારતીય દૂતાવાસને તેની સૂચના આપી નહોતી જેને કારણે તેઓને ફરી એક વખત લગ્ન કરવા પડશે.
હરિયાણા હાઇકોર્ટના વકીલ હેમંત કુમાર દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં આ ખુલાસો થયો છે. તેમણે 13 ડિસેમ્બર, 2017ના રોજ વિદેશ મંત્રાલયમાં આ અંગે અરજી કરી હતી.
જો કોઈ ભારતીય બીજા દેશમાં જઈને લગ્ન કરે તો તેને ત્યાં વિદેશી લગ્ન એક્ટ-1969 અંતર્ગત રજિસ્ટર્ડ કરાવવાનું હોય છે પરંતુ વિરાટ-અનુષ્કાનાં લગ્ન આ એક્ટ મુજબ થયા નથી. તેવામાં હવે દેશના જે રાજ્યમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા રહેશે, ત્યાં તેઓએ તે રાજ્યના નિયમ મુજબ લગ્નની નોંધણી કરાવવા માટે ફરી લગ્ન કરવા પડી શકે છે.