ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ફેસબૂક પર સંબોધન કર્યું હતું. આ દરમિયાન હાર્દિકે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હાર્દિકે કહ્યું કે મારા ઘરે આવતા સમર્થકો સાથે પોલીસ અભદ્ર વર્તન કરી રહી છે. વધુમાં હાર્દિકે કહ્યું કે ઉપવાસના છઠ્ઠા દિવસથી પાણી પણ બંધ કરી દઇશ.
હાર્દિકે પોલીસ પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે મને એવા રિપોર્ટ મળ્યા છે કે પોલીસ અડધી રાતે મને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કરશે. પોલીસ સરકારના ઇશારે હિટલરની જેમ વર્તન કરી રહી છે. પરંતુ હું ભાજપ સરકાર સામે નમતું નહીં મૂકું,
હાર્દિકે પાસના સમર્થકોને જણાવ્યું કે જ્યાં સુધી મૂદ્દાનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ જ રહેશે. હું આવતીકાલથી પાણી પણ પીવાનું છોડવાનો છું. હું તમામ પાસ કાર્યકર્તાઓને અનુરોધ કરું છું કે પોલીસ ભલે મને મળવા ન દે, તમે ગામડે ગામડે અને તાલુકા લેવલે ઉપવાસ આંદોલન શરૂ કરો. પોલીસ દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસ હાર્દિક પટેલને મળવા માટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, “વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે.”
હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરાયું
ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સોલા સિવિલની ટીમ તરફથી હાર્દિકનું મેડિકલ ચેકઅપ થયું હતું, જેમાં હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ જણાયું છે. હાર્દિકના યુરિન ટેસ્ટમાં ઇન્ફેક્શન જોવા મળતા ડોક્ટરે હાર્દિકને હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાર્દિક વધારે ઉપવાસ કરશે તો તેની કિડની પર અસર થઈ શકે છે.